વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે સોમા તળાવ ઝૂંપડપટ્ટીમાં દરોડો પાડી ગાંજાનો જથ્થો રાખી તેનું વેચાણ કરતાચિરાગભાઈ અરવિંદભાઈ પટેલ ને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી 2 કિલો 180.5 ગ્રામ ગાંજો, કિંમત રૂ.1,09,025 સહિત કુલ રૂ.1,10,625નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે સોમા તળાવથી તરસાલી તરફ જતા બ્રિજ પહેલાં આવેલી ઝૂંપડપટ્ટીમાં પતરાના ઝૂંપડામાં રહેતો ચિરાગ પટેલ ગાંજો મંગાવી તેનું છૂટક વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે ઝૂંપડામાં દરોડો પાડતાં ચિરાગ પટેલ મળી આવ્યો હતો.
ઝડતી દરમિયાન પલંગની વચ્ચેની જગ્યામાં રાખેલા પ્લાસ્ટિકના ટબ અને થેલીમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજા ઉપરાંત એક મોબાઇલ ફોન, રૂ.1,000 રોકડા, પ્લાસ્ટિકની નાની થેલીઓ તથા પાંચ પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમના ટબ કબજે કર્યા હતા.
પોલીસની પૂછપરછમાં ચિરાગ પટેલે ગાંજાનો જથ્થો સુરતના ભેસ્તાન ખાતે રહેતા જીગ્નેશ ઉર્ફે ચીકન પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે જીગ્નેશ ઉર્ફે ચીકનને વોન્ટેડ જાહેર કર્યો છે. સમગ્ર મામલે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ માટે કેસ વાડી પોલીસને સોંપવામાં આવ્યો છે
Reporter: admin







