News Portal...

Breaking News :

મુખ્યમંત્રીના આહ્વનને ઝીલતો વડોદરા જિલ્લો, શાળા પ્રવેશોત્સવ બન્યો સમાજોત્સવ

2025-06-26 17:01:51
મુખ્યમંત્રીના આહ્વનને ઝીલતો વડોદરા જિલ્લો, શાળા પ્રવેશોત્સવ બન્યો સમાજોત્સવ


શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે અડધા કરોડનું દાન મળ્યું, ૧૮૬ બાળકોનો શાળામાં પુનઃ પ્રવેશ થયો
ડ્રોપ આઉટની શક્યતા ધરાવતા બાળકોના વાલીઓ સાથે બેઠક યોજી ૨૩ છાત્રોનું સ્થાયીકરણ કરવામાં મળી સફળતા 

 


૩૯૦ ગામોની ૪૧૫ શાળામાં ૬૫૦ મહાનુભાવો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં બન્યા સહભાગી 
કન્યા  કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કરેલા આહ્વનને વડોદરા જિલ્લાના નાગરિકોએ ઝીલી લીધું છે. આ ઉત્સવના પ્રથમ દિવસે જ જિલ્લાની ૪૧૫ શાળાઓને નાગરિકોએ પોતાની જવાબદારી સમજીને અડધા કરોડનું અનુદાન આપ્યું છે. આ દાન રોકડ અને શૈક્ષણિક કિટ સ્વરૂપે મળ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહેશ પાંડેએ જણાવ્યું કે, શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ૬૫૦ જેટલા રાજ્ય અને જિલ્લા કક્ષાના મહાનુભાવો દ્વારા ૧૪૯ રૂટ  ઉપર નિયત કરાયેલા ૩૯૦ ગામોની ૪૧૫ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની મુલાકાત લેવામાં આવી હતી. આ મહાનુભાવો દ્વારા પ્રાથમિક શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિ અને માધ્યમિક શાળાની શાળા વ્યવસ્થાપન અને વિકાસ સમિતિના સભ્યો સાથે બેઠક યોજવામાં આવી હતી. 



આ બેઠકોમાં ૪૨૭૯ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ અભિયાન દરમિયાન પ્રથમ દિવસે ધોરણ – ૧માં ૨૭૨૬ નવા બાળકોને પ્રવેશ આપવામાં  આવ્યો હતો. જ્યારે, ૧૮૬ બાળકોને શાળામાં પુનઃ પ્રવેશ આપવામાં  આવ્યો હતો. આ બાળકો કોઇ કારણસર શાળા છોડી ગયા હતા, પણ શિક્ષકોના  પ્રયાસથી ફરી શાળામાં ભણવા માટે દાખલ થયા છે. પ્રથમ દિવસે પ્રવેશ પામનારા બાળકોમાં  ૫૦ દિવ્યાંગ બાળકોનો પણ સમાવેશ થાય છે. તદ્દઉપરાંત  માધ્યમિક શાળામાં ૪૦૮૮ કુમાર અને ૩૧૦૩ કન્યા મળી કુલ ૭૧૯૧ અને ઉચ્ચત્તર માધ્યમિકમાં ૧૦૫૪ કુમાર તથા ૧૩૪૪ કન્યા મળી કુલ ૨૩૯૮ છાત્રોએ પ્રવેશ મેળવ્યો હતો. બાલવાટિકામાં ૪૩૯૪, આંગણવાડીમાં ૧૭૧૬ ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.  મહત્વની વાત એ છે કે, શિક્ષણ વિભાગ દ્વારા ડ્રોપ આઉટની શક્યતા ધરાવતા બાળકો અને તેમના વાલીઓ સાથે મહાનુભાવો દ્વારા મુલાકાત કરવામાં આવી હતી અને તેમાં બાળકોને અભ્યાસ માટે સમજૂત કરાયા હતા. પ્રથમ દિવસે ૧૫ કુમાર, ૮ કન્યા મળી કુલ ૨૩ બાળકો શાળા છોડે નહી તેની ખાતરી કરવામાં આવી હતી. શાળા પ્રવેશોત્સવ દરમિયાન ૩૪ શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધાશરૂ કરવામાં આવી હતી. ૫૧ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોંડ આપવામાં આવ્યા હતા. ગ્રામજનો પણ આ સમાજોત્સવમાં ઉત્સાહભેર સહભાગી થયા હતા. જેના પરિણામ સ્વરૂપ પ્રથમ દિવસે રૂ. ૬,૬૫,૫૦૦ રોકડ અને રૂ. ૪૭,૨૯,૦૧૦ની વસ્તુઓ મળી કુલ રૂ. ૫૩,૯૪,૫૧૧નું દાન મળ્યું હતું.  શાળામાં પુનઃ પ્રવેશ, સ્થાયીકરણ અને અનુદાનની બાબત મુખ્યમંત્રીશ્રીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ બનાવવાના આહ્વનને પ્રતિબિંબિત કરે છે.

Reporter:

Related Post