નવા વિકલ્પોમાં વિસ્તાર, નામ ઉપરાંત અને સમગ્ર વિધાનસભામાંથી પણ નામ શોધી શકાય એવી ઓનલાઇન વ્યવસ્થા ઉભી કરાઇ

વડોદરા શહેરની સોસાયટી વિસ્તારોમાં સાંજના સમયે નોકરિયાત વર્ગ માટે ખાસ કેમ્પો યોજાશે
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન–2025 અંતર્ગત 28 ઓક્ટોબર, 2025 થી સમગ્ર દેશમાં શરૂ કરાયેલ કામગીરીના ભાગરૂપે વડોદરા જિલ્લામાં પણ તમામ દસ વિધાનસભા વિસ્તારોમાં કામગીરી સક્રિયરૂપે ચાલુ છે. મૂળભૂત તબક્કામાં બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા વિતરણની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ કરી દેવાઈ છે, જ્યારે કલેક્શન, મેપિંગ તથા મેચિંગ જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ પણ મોટા પ્રમાણમાં પૂર્ણતાની નજીક છે. અત્યાર સુધી જિલ્લામાં પાંચ લાખથી વધુ ફોર્મ્સનું સફળતાપૂર્વક ડિજિટાઈઝેશન થઈ ગયું છે. કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ જણાવ્યું કે, જિલ્લા ચૂંટણી કચેરી દ્વારા આગામી ચાર દિવસ માટે ખાસ ઝુંબેશ હાથ ધરી છે, જેમાં લોકોના મેપિંગ અને મેચિંગ સંબંધિત સામાન્ય પ્રશ્નોને ધ્યાને રાખીને શહેરી વિસ્તારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારોને પોતાનું નામ, બૂથ, સોસાયટી અને વિસ્તાર સરળતાથી શોધી શકે તે માટે વિવિધ પ્રકારના સર્ચ ઓપ્શન સાથેની પીડીએફ સામગ્રી અને ક્યુઆર કોડ્સ જાહેર જનતા,બીએલઓ તથા વોલન્ટીયર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગત્ત. તા. 16 અને 17 નવેમ્બરના રોજ યોજાયેલ વિશેષ કેમ્પોમાં મોટી સંખ્યામાં નાગરિકો દ્વારા થયેલી ભાગીદારીને ધ્યાનમાં રાખીને આ પ્રક્રિયાને વધુ વિસ્તૃત બનાવવા આવતી કાલે શહેરની અંદર લગભગ બે સો જેટલી સોસાયટીઓમાં અને પરમ દિવસે વધારાની બે સો જેટલી સોસાયટીઓમાં સાંજના સમયે કેમ્પો યોજાશે.

આ દરમિયાન લોકો નોકરી અને ધંધા પરથી પરત ફરે ત્યારે તેઓને મેપિંગ, મેચિંગ તથા કલેક્શન પ્રક્રિયામાં સરળતા રહે તે માટે બીએલઓ સાથે મોટી સંખ્યામાં વોલન્ટીયર્સ, શિક્ષક મિત્રો, સરકારી કર્મચારી તથા પ્રાઇવેટ શિક્ષકોની સેવાઓ જોડાશે. આવનારા શનિવાર અને રવિવારે જિલ્લામાં આવેલ દરેક બૂથ પર વિશેષ બૂથ કેમ્પો યોજાશે. શહેરી વિસ્તારો માટે વધારાની વ્યવસ્થા અંતર્ગત બીએલઓ સાથે સહાયકોને પણ નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. આજે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા વિવિધ યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં યુથ વોલન્ટીયર્સ દ્વારા મતદારોને સ્થાન શોધવામાં, મેપિંગ–મેચિંગ પ્રક્રિયામાં તથા ફોર્મ ભરવામાં સહાય પૂરી પાડવા સૂચનાઓ આપવામાં આવી છે, જેથી યુવાનોની ઊર્જાનો ઉપયોગ સુવ્યવસ્થિત રીતે થઈ શકે. જે નાગરિકોના નામ કે વિગતો વિવિધ સર્ચ ઓપ્શન્સ દ્વારા ઉપલબ્ધ ન થઈ શકે, તેમના માટે ઇન્રુમરેશન ફોર્મમાં દર્શાવેલ યાદી મુજબના દસ્તાવેજો તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. 1987 પહેલાં જન્મ થયેલો હોય તો એક દસ્તાવેજ, 1987 થી 2004 વચ્ચે જન્મ થયેલો હોય તો બે દસ્તાવેજ અને 2004 પછી જન્મ થયેલા નાગરિકો માટે પોતાનું તથા માતા–પિતાના ત્રણ દસ્તાવેજોની વ્યવસ્થા રાખવી જરૂરી રહેશે. દસ્તાવેજોની અછત હોય એવા નાગરિકોને ધ્યાનમાં રાખીને વીએમસી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિશેષ દસ્તાવેજ સહાય કેમ્પો પણ યોજાશે. નોંધનીય છે કે જેમનું મેપિંગ અથવા પ્રોજેની મેચિંગ સફળતાપૂર્વક થઈ ગયું છે, તેમને કોઈ દસ્તાવેજ રજૂ કરવાની જરૂર રહેતી નથી. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી 4 ડિસેમ્બર 2025 સુધી ચાલુ રહેશે, તેમ છતાં આગામી શનિવાર–રવિવારના કેમ્પોનો વધુમાં વધુ લાભ લઈ પોતાની વિગતો સમયસર સબમિટ કરે અને બીએલઓ તથા વોલન્ટીયર્સને પૂરતો સહયોગ આપે. જિલ્લાના તમામ તંત્રો અને ટીમો તીવ્ર ગતિએ કામગીરી કરી રહ્યાં છે, જેથી આગામી થોડા દિવસોમાં સમગ્ર કાર્ય મહદંશે પૂર્ણ થઈ શકે, તેવી અપીલ ડો. ધામેલિયાએ કરી છે.
Reporter: admin







