News Portal...

Breaking News :

વડોદરા શહેર રામ ભરોસે : વડોદરા ગેસ કંપનીએ કોન્ટ્રાક્ટર, મળતીયા કાઉન્સિલર,જવાબદાર ઈજનેર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવી જોઈએ

2025-04-10 09:57:27
વડોદરા શહેર રામ ભરોસે : વડોદરા ગેસ કંપનીએ કોન્ટ્રાક્ટર, મળતીયા કાઉન્સિલર,જવાબદાર ઈજનેર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવી જોઈએ


ભલામણથી ઘુસ મારનાર, સીએફઓ બિનઅનુભવી હોવાનું ફરી એક વાર પુરવાર થયું, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે સમયસર ના પહોંચ્યું હોવાનો સ્થાનિકોનો આરોપ 

માંજલપુરમાં એરટેલ કંપનીની કેબલિંગની કામગીરી દરમિયાન ગેસ પાઈપ લાઈનમાં ભડકો થતાં ભયાનક આગ , 4 દુકાનો અને 4 થી વધુ મકાનો આગની ઝપેટમાં...

ચીફ ફાયર ઓફિસરના રાજમાં ફાયર કન્ટ્રોલનો નંબર જ લાગતો નથી..
45 મિનિટ પછી ફાયરની ગાડી સ્થળ પર પહોંચી...
બિન અનુભવી ચીફ ફાયર ઓફિસરને મીડિયાને જવાબ ના આપવો પડે એ માટે ફોન પણ ઉપાડતા નથી....

શહેરના માંજલપુર વિસ્તારમાં એરટેલ કેબલિંગની કામગીરી દરમિયાન એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. ચાર દુકાન અને ચારથી વધુ મકાનો આગની ચપેટમાં આવી ગયા હતા. સ્થાનિકોએ આક્રોશ સાથે આરોપ લગાવ્યો હતો કે જોરદાર બ્લાસ્ટ થયા બાદ જ્યારે આગ ફાટી નીકળી ત્યારે તુરતજ ફાયર બ્રિગેડને કોલ કરાયો હતો. પણ ઘણા સમય સુધી માત્ર રેકર્ડ જ વાગી રહી હતી અને તેના કારણે ફાયર બ્રિગેડ મોડુ પહોંચતા આગે વિકરાળ સ્વરુપ લઇ લીધું હતું. જો ફાયર કન્ટ્રોલનો ફોન સમયસર લાગી ગયો હોત તો ફાયર બ્રિગેડ વહેલી પહોંચી જાત અને આગ જલ્દી કાબુમાં આવી જાત તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું. કમિશનર દિલીપ રાણાની મહેરબાનીથી ચીફ ફાયર ઓફિસર બની ગયેલા મનોજ પાટીલનો ફાયર સર્વિસમાં પુરતો અનુભવ જ નથી તે સાબિત થઇ ગયું હતું. 



માંજલપુરના સ્પંદન સર્કલ પાસે બુધવારે સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ રહેણાંક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે મકાનોમાં રહેતા પરિવારો આગની ચપેટમાં આવતા બચ્યા હતા. ગેસલાઇનમાં લીકેજને કારણે આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આગ એટલી ભયાનક હતી કે ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરાયો. ફાયર વિભાગના પાંચ ફાયર સ્ટેશનની ટીમો દ્વારા 8 ફાયર ફાયટરો અને એક મોટુ ટેન્કર મોકલીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો  હતો. આ આગના બનાવમાં ચારથી વધુ લોકો દાઝ્યા હોવાની વિગતો સામે આવી છે, જેમાં એક વ્યક્તિ સિવાય અન્ય વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ આગની ઘટનામાં દાઝેલા સચિન હરિઓમ યાદવ( ઉંમર વર્ષ 30) સ્પંદન સર્કલ રાજેશ્વરી જ્યૂસ સેન્ટર માંજલપુર ને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ બંને હાથ, બંને પગના પંજા પર અને મોઢાના ભાગે દાઝ્યા હોવાની વિગતો સામે આવી છે. આ આગની ઘટના કઈ રીતે બની એ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ અહીં એરટેલ કંપનીના કર્મચારીઓ કામ કરી રહ્યા હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. આગની ઘટનામાં દાંડિયાબજાર, જીઆઇડીસી, ગાજરાવાડી, પાણીગેટ ફાયર સ્ટેશન સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં ઈજાગ્રસ્ત અને દાઝેલી વ્યક્તિઓને ફાયર વિભાગ પહોંચે એ પહેલાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. 

આ અંગે ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે જણાવ્યું હતું કે કોલ મળતાં જ વડોદરા ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગમાંથી એક પછી એક ફાયર સ્ટેશનની ગાડીઓ સ્થળ પર મોકલી 20થી 30 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો છે. હાલમાં આગ સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ છે. આ આગ લાગવાનું કારણ હજુ જાહેર કરાયું નથી. બીજી તરફ પોલીસે જણાવ્યું હતું કે ત્રણ દુકાનો અને બંધ મકાન હતા એમાં આગ પ્રસરી હતી. આ બનાવમાં અમે બનવાજોગ ફરિયાદ લઈ રહ્યા છે. ખાનગી કંપની દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે ગેસલાઇન લીકેજ થતાં આગ ફાટી નીકળી હતી. હાલમાં તપાસ ચાલુ છે અને કેટલાક લોકો દાઝ્યા છે.



કોન્ટ્રાક્ટર 'સચીન' પૂર્વ સ્થાયી ચેરમેનનો મળતીયો...
મળેલી માહિતી મુજબ એરટેલનું કેબલિંગ કામ 'સચીન' નામનો કોન્ટ્રાક્ટર કરી રહ્યો હતો. સચીન  પૂર્વ સ્થાયી ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલનો ખાસ મળતીયો હોવાની જાણકારી મળી છે. ભયાનક આગ લગાડનાર સચીન શોર્ટ મારવાની મશીનરી પોલીસે કબજે કરીને તેને એરેસ્ટ કરવો જોઇએ. સચીને બેદરકારી ભરી રીતે શોર્ટ મારતા ગેસલાઇન લીકેજ થઇ હોવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. ઉલ્લેખનિય છે કે આ પ્રકારના ઘણા મશીનો ભાજપના નેતાઓએ ખરીદી લીધા છે અને પોતાના મળતીયાઓને કોન્ટ્રાક્ટ અપાવીને પૈસા રળી રહ્યા છે. કોન્ટ્રાક્ટર સચીન લાગત ભર્યા વગર કામ કરી રહ્યો છે અને તેની પાસે વર્ક ઓર્ડર પણ નથી અને પાલિકામાં લાગત ભર્યા વગર જ બિલો બનાવે છે. 

કોન્ટ્રાક્ટર સચીનની ઘોર બેદરકારી...
આખા વડોદરા શહેરમાં ગેસ લાઇન જમીનમાં પથરાયેલી છે અને તેથી જમીનની અંદર 3 મીટર ખોદકામ કર્યા પછી જ બીજી કોઇ કામગીરી કરી શકાય છે. કોન્ટ્રાક્ટર સચીન જમીનમાં કેબલિંગ કરતી વખતે બેદરકારીભરી રીતે શોર્ટ માર્યા તેમાં પાઈપ ગેસ લીકેજ થયો અને લોકોને 2 કરોડથી વધુનુ નુકશાન થયું છે અને કેટલાક લોકો દાઝ્યા પણ છે. આ સામાન્ય નુકશાન નથી. વડોદરા ગેસ કંપની કોઇને ક્લેઈમ આપતી નથી. જેથી જેમને નુકશાન થયું છે તેમને વળતર કોણ આપશે તે સવાલ છે. આ કોન્ટ્રાક્ટરને હવે બ્લેક લિસ્ટ કરી દેવો જોઇએ.

બિનઅનુભવી સીએફઓનો અનુભવ આજે દેખાઇ ગયો...
કમિશનર રાણાજીની તો આજે બદલી થઇ ગઇ પણ તે જે બિનઅનુભવી ચીફ ફાયર ઓફિસર વડોદરાને ગળે વળગાડીને ગયા છે તે ચીફ ફાયર ઓફિસરને આજે રાણાજીના છેલ્લા દિવસથી જ આગનો પરચો મળી ગયો છે. માંજલપુરમાં ભયાનક આગ લાગવા અંગે સ્થાનિકોએ અડધો કલાક સુધી કન્ટ્રોલ રુમને ફોન કર્યો પણ માત્ર ઘંટડીઓ જ વાગી રહી હતી અને લોકોએ ફોન પર ફોન લગાવાના શરુ કર્યા હતા ત્યારે માંડ 4.55 કલાકે ફાયર કન્ટ્રોલ રુમનો ફોન લાગ્યો હતો અને ત્યારબાદ ફાયરની ગાડીઓ આવી હતી. જો સમયસર ફોન લાગ્યો હોત તો કદાચ લોકોને જે નુકશાન થયું છે તે ના થયું હોત બિન અનુભવી ચીફ ફાયર ઓફિસરનો અનુભવ આજે દેખાઇ ગયો હતો. હવે સવાલ એ છે કે ફાયર બ્રિગેડ મોડુ પડ્યું તો દુકાનદારોને નુકશાનનું વળતર કોણ આપશે. લોકોની ઘરવખરીને સામાન નષ્ટ થઇ ગયો છે. કેટલાક લોકો દાઝી પણ ગયા છે.

Reporter: admin

Related Post