દાહોદ : ગુજરાતમાં દલિત સમાજ પરના અત્યાચારોને લઈને રાજકીય ગરમાવો છે, ત્યારે રાજ્ય સરકારની જ એક ગંભીર ભૂલ સામે આવી છે. આગામી 22 જૂને યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે જાહેર થયેલી મતદાર યાદીઓમાં આ પ્રકારની ક્ષતિઓ પ્રકાશમાં આવી છે.

ખાસ કરીને દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાની ડાંગરીયા ગ્રામ પંચાયતની 2025ની અનુમોદિત મતદાર યાદીમાં આવા વાંધાજનક શબ્દોનો પ્રયોગ થયો હોવાનું બહાર આવ્યું છે.ડાંગરીયા ગ્રામ પંચાયતની મતદાર યાદીમાં વોર્ડ નંબર 8ના મતદારોની ઓળખ અને મતદાન સ્થાન અંગેની જાણકારીમાં, સરકારી અધિકારીઓ દ્વારા જ કાયદાકીય રીતે અસ્વીકાર્ય એવા શબ્દનો ઉપયોગ કર્યો છે. આ યાદીમાં ડાંગરીયા ગામના વિવિધ ફળિયાના મતદાર નંબરની વિગતો દર્શાવવામાં આવી છે, જેમાં સીમાડા, ટાંક, અવીચની સાથે અનુસૂચિત જાતિના સમાજના ફળિયા માટે પ્રતિબંધિત શબ્દનો ઉલ્લેખ છે.ડાંગરીયા ગ્રામ પંચાયત અને મામલતદાર કચેરીના સત્તાધિકારીઓ દ્વારા મતદાર યાદીનું નિરીક્ષણ કરાયું હોવા છતાં આ પ્રકારની ગંભીર ભૂલ ધ્યાનમાં ન આવી. ચૂંટણી પંચ, જે સ્થાનિક મતદારોને તેમના મતાધિકારના મહત્ત્વ અંગે જાગૃતિના પ્રયાસો કરે છે, તે પણ આવી બાબતોમાં ધ્યાન આપીને સુધારા કરવામાં નિષ્ફળ રહ્યું છે. એટલું જ નહીં, ડાંગરીયા ગ્રામ પંચાયત બહારના મુખ્ય રોડ પર કિલોમીટર દર્શાવતા બોર્ડમાં પણ આ પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કરાયો છે.અધિકારીઓ વારંવાર લોકોને તેમની માહિતી ચકાસવા અને જરૂરી સુધારા સૂચવવા જણાવે છે, પરંતુ ચૂંટણી પંચ દ્વારા આ બાબતો પર ધ્યાન નથી અપાતું.
આ પ્રકારની સરકારી ખામીઓને કારણે ગ્રામીણ વિસ્તારોમાં હજુયે રહેણાક સ્થળોને જાતિવાદી નામોથી ઓળખાય છે, જેનાથી છેવટે જાતિવાદને પ્રોત્સાહન મળે છે અને સામાજિક ભેદભાવ સર્જાય છે. રાજ્ય સરકારના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, 'રાજ્ય સરકારે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવે સંવેદનશીલતા દાખવી તમામ ગ્રામ પંચાયત અને ફળિયાની વિગતો છે તો સરકારે આ બાબતે સિનિયર અધિકારીની કમિટી બનાવવી જોઈએ. આવા નામો બદલવા નીતિ બનાવી ચોક્કસ સમયમાં નામો બદલી દેવાના આદેશ કરવા જોઈએ. ગામો પાસે ગ્રામસભાના ઠરાવ મંગાવી નામો નક્કી કરવા જોઈએ અને રાજ્ય સરકાર ગેજેટ કરી નામ જાહેર કરે.'ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અનેક પરિપત્રો બહાર પાડીને અનુસૂચિત જાતિઓ માટે વાપરવામાં આવતા અમુક શબ્દોની જગ્યાએ અન્ય શબ્દોનો ઉપયોગ કરવાની જ સરકારી વિભાગોને સૂચના અપાઈ છે. આમ છતાં, આ કિસ્સો સરકારી આદેશના ભંગનો સ્પષ્ટ પુરાવો પૂરો પાડે છે.ગુજરાત સરકારે જાતિવાદી કે અપમાનજનક શબ્દોના પ્રયોગ પર વિવિધ સમયે અને જુદા જુદા પરિપત્રો દ્વારા પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધોનો મુખ્ય ઉદ્દેશ સામાજિક સમાનતા, સન્માન અને સૌહાર્દ જાળવવાનો છે, જેથી કોઈ પણ સમુદાયની લાગણી દુભાય નહીં અને ભેદભાવ ઓછો થાય. પરંતુ ખુદ સરકાર જ તેના પરિપત્રના ધજાગરા ઉડાવી રહી હોવાનું સામે આવ્યું છે.
Reporter: admin