મુંબઈ : સપ્તાહના ચોથા કારોબારી દિવસે ગુરુવારે ભારતીય શેરબજારની ચાલ મૂંઝવણભરી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી સપાટ શરૂઆત સાથે ગ્રીન ઝોનમાં ખુલ્યા, પરંતુ શરૂઆતની થોડી જ ક્ષણોમાં લપસીને રેડ ઝોનમાં આવી ગયા હતા.
જોકે, માત્ર અડધા કલાકના કારોબારમાં જ બાજી પલટાઈ ગઈ અને બંને મુખ્ય ઇન્ડેક્સ ફરીથી તેજી સાથે ગ્રીન ઝોનમાં કારોબાર કરતા જોવા મળ્યા હતા. આ અચાનક આવેલા ઉછાળા પાછળનું મુખ્ય કારણ અમેરિકાથી આવેલા એક સમાચારને માનવામાં આવે છે.અમેરિકામાં થતી કોઈપણ નાણાકીય હલચલની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળતી હોય છે. બુધવારે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા પોલિસી રેટમાં આ વર્ષે સતત ત્રીજીવાર કાપ મૂકવામાં આવ્યો છે. US પોલિસી રેટ 25 બેસિસ પોઈન્ટ (0.25%) ઘટાડીને 3.50-3.75 ટકાના દાયરામાં લાવવામાં આવ્યો છે.
અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં આ ઘટાડો ભારત જેવા ઊભરતા બજારો માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે. વ્યાજ દરમાં ઘટાડો થવાથી અમેરિકામાં ડૉલરનું વળતર ઘટી જાય છે, જેના કારણે રોકાણકારો ડૉલરમાંથી નાણાં કાઢીને ઊભરતા દેશોના બજારોમાં રોકાણ કરે છે. આ સકારાત્મક સંકેત બાદ ભારતીય બજારમાં જોવા મળતી મંદી પર બ્રેક લાગી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આરબીઆઈએ પણ રેપો રેટમાં 0.25% નો ઘટાડો કરતાં 5.25% પર લાવી દીધા હતા. જેના બાદ લોકો માટે રાહતના સમાચાર આવ્યા હતા.
Reporter: admin







