અમદાવાદ : હવામાન વિભાગની આગાહી મુજબ બેસતા વર્ષના દિવસે જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે.
બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાથી તેમજ અપરએર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસરના કારણે અનેક જિલ્લામાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી છ દિવસ સુધી રાજ્યના દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. ખાસ કરીને 25 ઓક્ટોબરથી વરસાદની તીવ્રતામાં વધારો થવાની શક્યતા છે.બેસતા વર્ષે જ ડાંગ જિલ્લામાં કમોસમી ધોધમાર વરસાદ પડ્યો હતો. ગિરિમથક સાપુતારા અને આહવા જેવા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પરથી પાણી વહેતા થયા હતા, જેના લીધે દિવાળી વેકેશન માટે આવેલા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
આ અચાનક પડેલા વરસાદથી ડાંગર સહિતના તૈયાર પાકને ગંભીર નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે, જેનાથી તેમની ચિંતામાં વધારો થયો છે.વલસાડ જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો. વલસાડ શહેર, પારડી તાલુકા, ધરમપુર અને કપરાડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવી અસર વર્તાઈ હતી, જેને કારણે જિલ્લા સેવાસદનના બિલ્ડિંગને પણ નુકસાન પહોંચ્યું હતું. વરસાદને લીધે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. નવા વર્ષની શરૂઆતમાં જ વરસાદ થતાં શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.
Reporter: admin







