કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ વડોદરા જિલ્લાના શીર્ષ અધિકારીઓ સાથે બેઠક યોજીને કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ કલ્યાણકારી યોજનાની સમીક્ષા કરી હતી.
ખાસ કરીને સામાજિક ઉત્કર્ષ માટે થઇ રહેલી કામગીરી માટે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા દલીતો, વંચિતો, પીડતો, આદિવાસી, મહિલાઓના કલ્યાણ માટે અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો લાભ તેના લાભાર્થીઓને મળી રહ્યો છે. સામાજિક ઉત્કર્ષની આ યોજનાઓથી ગરીબોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી આઠવલેએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના છાત્રો માટેની શિષ્યવૃત્તિ, હોસ્ટેલ સુવિધા, નિવાસી શાળાઓ અંગેની પણ માહિતી મેળવી હતી.
આ ઉપરાંત સફાઇ કામદારો, વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો માટેની યોજનાઓની પણ સમીક્ષા કરી હતી. દિવ્યાંગજનોને કેન્દ્ર સરકારની એલિમ્કો કંપની મારફત મહત્તમ સાધનસહાય મળે તેવું પ્રેરક સૂચન પણ તેમણે કર્યું હતું. વડોદરા શહેરમાં સયાજી બાગ ખાતે નિર્માણાધિન ડો. બાબા સાહેબ સંકલ્પ ભૂમિ સ્મારકમાં કાર્યપ્રગતિનો અહેવાલ પણ તેમણે જાણ્યો હતો. આ બેઠકમાં કલેક્ટર બિજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, પોલીસ અધિક્ષક રોહન આનંદ, નાયબ પોલીસ કમિશનર જુલી કોઠિયા, સામાજિક અધિકારિતા વિભાગના સંયુક્ત નિયામક નયના શ્રીમાળી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin