શહેરના મકરપુરા પોલીસની રહેમનજર હેઠળ દંતેશ્વરમાં દેશી અને વિદેશી દારૂનો વેપલો બિન્દાસ્તથી ધમધમી રહ્યો છે તેવા ગંભીર આરોપો સાથે કોંગ્રેસના નેતા અને સ્થાનિક મહિલાઓએ આજે પોલીસ ભવન ગજવ્યું હતુ.
દંતેશ્વર ગામના ડેરા વાળા ફળિયામાં રાઉન્ડ ધ ક્લોક દારૂ વેચાય છે તેવો ગંભીર આક્ષેપ સાથે સ્થાનિકોએ શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપરત કર્યું હતુ.પોલીસ ભવનમાં રજૂઆત કરવા પહોંચેલા લોકોએ આરોપ લગાવ્યો હતો કે, દંતેશ્વરના ડેરાવાળા ફળિયામાં બે મહિલા સહિત ચાર જણા દેશી દારૂ અને વિદેશી દારૂનો ધંધો કરે છે. મકરપુરા પોલીસની એમને રહેમનજર છે. પોલીસવાળા બધુ જાણતા હોવા છતાંય કશું કરવા તૈયાર નથી.
દંતેશ્વરમાં દારૂના ધંધો અંગે મકરપુરા પોલીસ મથકે વારંવાર ફરિયાદો કરવામાં આવી છે પણ પરિણામ શૂન્ય છે. પોલીસવાળા બુટલેગરો સામે કોઈ પગલા લેતા નથી. જેને લીધે તેમના ઈરાદા વધારે મજબૂત બની રહ્યા છે. આજે પોલીસ ભવન ખાતે બુટલેગરોના વિરુદ્ધમાં રજૂઆત કરવા માટે કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્વત (ભથ્થુભાઈ) પણ સ્વયં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ દંતેશ્વરમાં દારૂનો વેપલો બંધ કરાવવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.
Reporter: News Plus