હાલમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ભારતભરમાં બિનસંક્રમિત રોગોના નિવારણ અને નિયંત્રણ માટે નેશનલ પ્રોગ્રામ - નોન કોમ્યુનિકેબલ ડિસિઝ(NP- NCD) અમલમાં મૂકવામાં આવ્યો છે.

જે અંતર્ગત વડોદરામાં કુલ ૨.૫૮ લાખ લાભાર્થીઓનું હાયપર ટેન્શન અને ૨.૫૦ લાખ લાભાર્થીઓનું ડાયાબિટીસ ચેક કરવામાં આવ્યું છે.વડોદરા જિલ્લાની વાત કરીએ તો, હાયપરટેન્શન માટે પાદરા ૩૮૭૩૮, વડોદરા ૫૦૨૯૬, કરજણ ૩૧૭૨૫, શિનોર ૨૨૧૧૮, ડભોઇ ૩૮૧૮૪, સાવલી ૩૬૧૪૯, ડેસર ૧૫૧૨૦ અને વાઘોડિયા તાલુકામાંથી ૨૬૧૬૩ એમ કુલ જિલ્લાના ૨,૫૮,૪૯૩ લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. જ્યારે પાદરાનાં ૩૪૨૫૫, વડોદરા ૪૯૯૯૩, કરજણ ૩૧૧૦૪, શિનોર ૨૧૦૯૮, ડભોઇ ૩૭૮૯૯, સાવલી ૩૫૭૯૫, ડેસર ૧૪૨૩૧ અને વાઘોડિયા તાલુકામાંથી ૨૫૯૨૧ એમ કુલ જિલ્લાનાં કુલ ૨,૫૦,૨૯૬ લોકોની ડાયાબિટીસની તપાસ કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, ટકાઉ વિકાસના લક્ષ્યાંક મુજબ વિશ્વ આરોગ્ય સંગઠનના ગ્લોબલ એક્શન પ્લાન ફોર NCD અન્વયે વર્ષ ૨૦૨૩ સુધીમાં NCD ના કારણે અકાળે થતા મૃત્યુને એક તૃતિયાંશ સુધી ઘટાડવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટેની આ એક પહેલ છે. આ મિશન અન્વયે ૩૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને લક્ષિત રાખીને તેમના ડાયાબિટીસ, હાયપરટેન્શન, સામાન્ય કેન્સરની તપાસ કરવામાં આવી રહી છે. વધુમાં મળેલ કેસોને માટે જિલ્લા કક્ષાએ NCD ક્લિનિક્સ, કાર્ડિયાક કેર યુનિટ, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો પર સારવાર, તપાસ અને તાત્કાલિક સારવાર મળે તે માટે પણ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.
Reporter: admin







