શહેરમાં ટ્રાફિક નિયમોના લીરેલીરા....

ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાવતો એક વિડીયો સામે આવ્યો છે જ્યાં વિધ્યાર્થીઓ થી ભરેલી બે સ્કૂલ વાનના ચાલકોએ સેવાસી રોડ પર ગંભીર અને જોખમી રીતે આશરે 50 મીટર સુધી નજીક થી તો ઘણીવાર એકબીજા ને ઓવરટેક કરી રેસ લગાવી હતી આ રેસ દરમિયાન બાળકો સ્કૂલ વાનની બારીમાંથી એક બીજા પર પાણી ફેંકી રહ્યા હતા જો આ દરમિયાન સ્હેજ પણ ગફલત થઇ હોત તો કેટલા બાળકોના જીવન જોખમમાં મૂકાઇ જાય? ટ્રાફિક પોલીસે હવે આળસ ખંખેરીને તટસ્થતાથી ટ્રાફિક નિયમન કરાવવું પડશે. છેલ્લા કેટલાક સમયથી વડોદરા ટ્રાફિક પોલીસ નિષ્ક્રિય જણાતા વાહનચાલકો બેખૌફ, બેફામ બની બેરોકટોક જોખમી રીતે વાહનો હંકારી રહ્યા છે જેનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે. દિનપ્રતિદિન અકસ્માતના બનાવોમાં વધારો થતાં લોકોમાં ટ્રાફિક પોલીસ ની કામગીરી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં તો શહેરમાં નશો કરીને બેફામ વાહનો હંકારી અકસ્માત સર્જતા તત્વો તથા ઓવરસ્પિડે વાહનો ચલાવતા લોકો જોવા મળી રહ્યાં હતાં પરંતુ હવે તો ધોળા દિવસે શાળાએ જતાં આવતાં નાના બાળકો સાથેની મોબાઇલ વાન ફોર વ્હીલર ચાલકો પણ જોખમી રીતે રોડ પર વાહનોની રેસ લગાવતા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. શહેરના સેવાસી રોડ ઉપર ગુરુવારે બે સ્કૂલ વાન ચાલકોની ગંભીર બેદરકારી સામે આવી હતી જેમાં બંને સ્કૂલ વાનમાં ખીચોખીચ બાળકોને બેસાડી બંને સ્કૂલ વાન ચાલકોએ એક બીજાની ગાડી સાથે રોડ પર રેસ લગાવી હતી. એકબીજાની નજીક અને ક્યારેક એકબીજા સાથે ઓવરટેક કરી બાળકોના જીવને જોખમમાં મૂકી અને રેસ લગાવી હતી.અંદાજિત 50 મીટર સુધી આ જોખમી રેસ જોવા મળી હતી નવાઇની વાત એ છે કે, જ્યારે આ બંને સ્કૂલ વાન ચાલકો વાનમાં બેઠેલા વિધ્યાર્થીઓને નજરઅંદાજ કરી એક બીજા ના વાહનો સાથે રેસ લગાવી રહ્યા હતા તે જ દરમિયાન વિધ્યાર્થીઓ વાન ની બારીમાંથી માથું અને હાથ બહાર કાઢતા નજરે પડ્યા હતા સાથે જ બાળકો સ્કૂલ વાનની બારીમાંથી એકબીજા ઉપર પાણી ઉડાડતા નજરે પડ્યા હતા.

નાના બાળકોને તો કદાચ ગંભિરતાની ખબર ન પડે તેઓને તો આનંદ આવી રહ્યો હશે પરંતુ સ્કૂલ વાન ચાલકોએ તો વિચારવું જોઈએ કે કોઇના બાળકો છે જો સ્હેજ પણ ગફલત થઇ તો આ રેસનો સ્ટંટ કેટલો ગંભીર અકસ્માત સર્જી શકે છે. નવાઇની વાત એ હતી કે, અન્ય વાહનોને પણ નજર અંદાજ કરી આ બંને સ્કૂલ વાન ચાલકોએ રોડ પર અન્ય વાહનચાલકોને પણ જોખમમાં મૂકી રેસ લગાવી હતી આ રીતે સ્કૂલ વાન ચાલકોએ બંને વાનમાં બેઠેલા બાળકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા. આ ઘટના માતાપિતા અને સ્કૂલ માટે પણ લાલબત્તી સમાન છે. માતા પિતા પોતાના બાળકોને શાળાએ લાવવા લઇ જવા માટે સ્કૂલ વાન કે રીક્ષા જ્યારે નક્કી કરે છે ત્યારે તેઓ એક ભરોસો અને વિશ્વાસ સાથે પોતાના વ્હાલસોયા સંતાનો સોંપતા હોય છે ત્યારે આ સ્કૂલ વાન ચાલકો કે રીક્ષા અને બસ ચાલકોની જવાબદારી બની જાય છે કે તેઓ બાળકોને સહીસલામત સુરક્ષિત રીતે ઘરેથી શાળાએ અને શાળામાંથી ઘરે બાળકોને પહોંચાડે પરંતુ જ્યારે આવા સ્કૂલવાન ચાલકો હોય ત્યારે શાળાએ, માતાપિતાએ વિચારવું જ રહ્યું કે બાળકો કેટલા સુરક્ષિત છે જેના પર તમે ભરોસો કરીને સોંપ્યા છે.ત્યારે હવે જોવું રહ્યું કે ટ્રાફિક પોલીસ દ્વારા આ સ્કૂલ વાન ચાલકો વિરુદ્ધ પગલાં લેવામાં આવશે કે કેમ?, કારણ કે જો આવી ગંભીર બાબતોને નજર અંદાજ કરવામાં આવશે તો કાલે ઉઠીને આવા તત્વોનું મન વધી જશે અને અન્ય લોકો પણ નાના બાળકોના જીવને જોખમમાં મૂકી દેશે. શાળા પ્રશાસન અને વાલીઓએ પણ આવી ગંભીર બેદરકારી સામે અવાજ ઉઠાવવો જ રહ્યો.


Reporter: admin







