ગુજરાતમાં ચોમાસુ જામ્યુ છે ત્યારે રાજ્યભરમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ભારે વરસાદના કારણે પંચમહાલ જિલ્લામાં આવેલા હડફ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં, ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી છે.
હાલમાં ઉપરવાસમાંથી 3700 ક્યુસેક પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે.પાણીની પુષ્કળ આવકને કારણે હડફ ડેમની જળસપાટી 164 મીટરના રુલ લેવલ પર પહોંચી ગઈ હતી. રુલ લેવલ જાળવી રાખવા માટે ડેમના અધિકારીઓએ તાત્કાલિક પગલાં ભર્યા હતા. હડફ ડેમના બે દરવાજા દોઢ ફૂટ સુધી ખોલીને હડફ નદીમાં 3660 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
ડેમમાંથી પાણી છોડવામાં આવતા, હડફ નદીના કાંઠા વિસ્તારના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. ખાસ કરીને ડાંગરિયા, ખાનપુર, માતરિયા વેજમા, મોરવાહડફ અને કડાદરા ગામના લોકોને નદીકિનારે ન જવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડ્યે વધુ પગલાં લેવા માટે તૈયારી દર્શાવવામાં આવી છે.
Reporter: admin







