News Portal...

Breaking News :

તારાપુર વટામણ હાઇવે પર બાઇક સવાર બે મિત્રોના ઘટના સ્થળે મોત

2025-05-31 10:05:29
તારાપુર વટામણ હાઇવે પર બાઇક સવાર બે મિત્રોના ઘટના સ્થળે મોત


તારાપુર : તારાપુર વટામણ હાઇવે પર  શુક્રવાર બપોરે અક્સ્માત થયો હતો. જેમા બાઇક સવાર બે મિત્રોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. રોંગસાઈડ બાઈક જતું હતું ત્યારે સામેથી આવતી ગાડી અથડાતા અકસ્માત થયો હતો. તારાપુર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. 



ધોળકા તાલુકાના ભોળાદ ગામના ઊંચાડિયું ફળી ખાતે રહેતા મનીષકુમાર રાઠોડે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના પિતા બળવંતભાઈ રાઠોડ પોતાનું બાઈક લઈને મિત્ર કનુભાઈ બહાદુરભાઈ સોલંકીને લઈને સવારે ૯ કલાકે કામ અર્થે નીકળ્યા હતા. બપોરે સવા બે વાગ્યાના અરસામાં ગામના બળભદ્રસિંહનો ફોન કાકા રાજેશભાઈ પર આવ્યો હતો કે, તમારા મોટાભાઈને ફતેપુરા આગળ અકસ્માત થયો છે. જેથી મનીષભાઈ કુટુંબી ભાઈઓને લઈ અકસ્માતવાળી જગ્યાએ પહોંચતા રસ્તા પર બાઈક પડેલું હતું. 


પિતા બળવંતભાઈ તથા કનુભાઈ બંને રસ્તા પર લોહી લુહાણ હાલતમાં પડયા હતા. જેથી મનીષભાઈએ આસપાસના લોકોને અકસ્માત અંગે પૂછતા જણાવ્યું હતું કે, બાઈક રોંગ સાઈડમાં જતું હતું તે સમયે સામેથી આવતી ગાડીમાં અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં બંને બાઇક સવારોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ગાડીને આગળનો ભાગ તૂટી ગયો હતો. અકસ્માતની જાણ થતા તારાપુર પોલીસ તથા ૧૦૮ ઘટના સ્થળે પહોંચી બંને મૃતકોની લાશને પીએમ અર્થે તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તારાપુર પોલીસે મનીષકુમાર બળવંતભાઈ રાઠોડની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Reporter: admin

Related Post