વાપી: શહેરમાં કાચબા ગતિએ ચાલતું ઓવરબ્રિજનું કામ હવે નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે.
બુધવારે ગાંધી સર્કલ પાસે શીતલ એપાર્ટમેન્ટ સામે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં ખાડામાં કેબલ રિપેરિંગ કરી રહેલા BSNLના બે કર્મચારીઓ અચાનક માટી ધસી પડતા દટાઈ ગયા હતા. સદનસીબે, સ્થાનિકોની સમયસૂચકતાને કારણે બંનેનો જીવ બચી ગયો છે.ઓવરબ્રિજના પિલર નિર્માણ માટે કોન્ટ્રાક્ટરે ખોદેલા ઊંડા ખાડાઓને કારણે BSNLની ટેલિફોન કેબલ કપાઈ ગયો હતો. આ લાઈન રિપેર કરવા માટે BSNLના 32 વર્ષીય જે.ઈ. (JE) અભિષેક દુબે અને 35 વર્ષીય બિતેશ્વર સાહુ સ્થળ પર પહોંચ્યા હતા.
બંને કર્મચારીઓ જ્યારે ખાડામાં ઉતરીને કામ કરી રહ્યા હતા, ત્યારે બાજુની ઢીલી માટીનો મોટો ઢગલો અચાનક તેમની પર ધસી પડ્યો હતો.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, બંને કર્મચારીઓ ગળા સુધી માટીમાં દટાઈ ગયા હતા અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. જો થોડી મિનિટો મોડું થયું હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત.
Reporter: admin







