નવીદિલ્હી: અવકાશમાં ફસાયેલા ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રીના મામલાની નાસાએ હવે તપાસ શરૂ કરી છે. નાસાના મહાનિર્દેશ (OIG)ના રિપોર્ટમાં બોઈંગને ફટકાર લગાવવામાં આવી છે. તેમાં કહેવાયું છે કે બોઇંગની ભૂલ અને બેદરકારીના કારણે બે અવકાશયાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે.
બુધવારે જાહેર કરાયેલા આ રિપોર્ટમાં નાસાએ કહ્યું કે બોઇંગ ગુણવત્તા નિયંત્રણના માપદંડોને પૂર્ણ કરવામાં અસમર્થ રહી છે. આ રિપોર્ટના આધારે નાસાએ પેન્ટાગન પાસે બોઈંગ પર નાણાકીય દંડ લગાવવાની પણ માંગ કરી છે.રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બોઇંગે તેના સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટના ઉત્પાદન અંગે સંપૂર્ણ ખરાઈ કરી નથી. જેના દ્વારા બંને અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જવામાં આવ્યા હતા. બંને મુસાફરોનું મિશન માત્ર 9 દિવસનું હતું પરંતુ ટેકનિકલ ખામીને કારણે હવે આ મિશન ફેબ્રુઆરી 2025 સુધી લંબાવવામાં આવ્યું છે. આ પહેલા તે તેના નિર્ધારિત સમય મુજબ જૂન 2024માં જ પૃથ્વી પર પરત ફરવાના હતા.
નાસાના રિપોર્ટ અનુસાર, સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટની સૌથી ચિંતાજનક બાબત એ છે કે તેની પ્રવાહી ઓક્સિજન ઈંધણ ટેન્ક રોકેટના ઉપરના ભાગમાં જોડાયેલી હતી, જે રોકેટના પ્રોપેલન્ટ માટે સૌથી મહત્વપૂર્ણ છે. વેલ્ડીંગની સ્થિતિ નબળી હતી અને હાર્ડવેર પણ ખોટી રીતે જોડાયેલું હતું. આ તમામ કારણોને લીધે તેની ગુણવત્તા અંગે ચિંતાના વધારો થયો છે. વેલ્ડીંગની સમસ્યા અંગે અહેવાલમાં જણાવાયું છે કે આ કામ બોઇંગના બિનઅનુભવી એન્જિનિયરો, ઓછી કાર્યક્ષમતા અને ઉતાવળને કારણે થયું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો બોઇંગ એવા ઉત્પાદનોનું ઉત્પાદન કરવાનું ચાલુ રાખે છે જે નાસાના ધોરણોને પૂર્ણ કરતા નથી, તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
Reporter: admin