મિશન ક્લીન સ્ટેશન અભિયાન અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ રેલવે, વડોદરાએ છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે પેસેન્જરને છરી બતાવી લૂંટ કરી ભાગી ગયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
પશ્ચિમ રેલવે LCBના પીઆઇ ટી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન મળેલી બાતમી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જાણવા મળ્યું હતું કે, છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે થયેલી લૂંટના ગુનાના વર્ણન સાથે મેળ ખાતા બે ઇસમો વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 6 નજીક રિઝર્વેશન ઓફિસની પાછળ બેઠેલા છે. LCBની ટીમે બાતમીના આધારે બંને આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે સોનુ મનિષભાઈ શર્મા (નજરૂલ જમશેદઅલી શેખ) તથા નિર્મલ ઉર્ફે અર્જુન ઉર્ફે કાઠીયાવાડીને ઝડપી તેમની પાસેથી રોકડ રૂ. 1,05,000, 2 મોબાઈલ, ઇન્ડિયન રેલવે સ્માર્ટ કાર્ડ, SBI ડેબિટ કાર્ડ મળી 1,21,000 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી સોનુ મનિષભાઈ શર્મા સામે સુરત અને અમદાવાદમાં 3 ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત નિર્મલ ઉર્ફે અર્જુન ઉર્ફે કાઠીયાવાડી સામે સુરત અને રાજકોટમાં બે ગુના નોંધાયેલા છે.
લૂંટના કેસમાં બે આરોપીઓની ગઈકાલે અટકાયત
પશ્ચિમ રેલવેના SP અભય સોનીએ જણાવ્યું હતું કે, વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશન પર, પ્લેટફોર્મ નંબર 2 પાસે એક મુસાફરને છેતરીને લૂંટી લેવામાં આવી હતી. આ લૂંટના કેસમાં બે આરોપીઓની ગઈકાલે અટકાયત કરવામાં આવી છે. એક આરોપી સોનુ ઉર્ફે નજ્બુલ શેખ છે, જે મૂળ વેસ્ટ બંગાળનો વતની છે અને હાલ અમદાવાદમાં રહે છે. બીજો આરોપી નિર્મલ કાઠિયાવાડી છે, જે રાજકોટનો વતની છે.
છરી બતાવી ચેન તથા વીંટી લૂંટી લીધી
આ બંને આરોપીઓ રેલવે કાર્ડ અથવા સ્માર્ટ કાર્ડ કઢાવવાના બહાને ફરિયાદીનો મોબાઈલ લઈને તેમાંથી OTP મેળવતા હતા. તેઓ ફરિયાદીને વિશ્વાસમાં લઈને કહેતા હતા કે, "તમારું રેલવે કાર્ડ બની જશે, અમારી સાથે આવો અને કોઈ ડોક્યુમેન્ટ આપવાનું નથી." આ બહાને તેઓ તેને લિફ્ટ પાસે લઈ જઈને છરી બતાવી અને તેના ગળામાંથી ચેન તથા વીંટી લૂંટી લીધી હતી. આ આરોપીઓ પાસેથી પોલીસે એક લાખથી વધુની રોકડ રિકવર કરી છે. જે સોનું વેચાયું હતું, તેની જગ્યા વિશે તપાસ ચાલુ છે. અમે વધુ રિમાન્ડ લઈને તપાસ કરીશું કે કોઈ અન્ય વ્યક્તિ આમાં સંડોવાયેલી છે કે કેમ, અથવા આ આરોપીઓ અન્ય કોઈ ગુનાઓમાં જોડાયેલા છે કે નહીં. આ આરોપીઓ વાસ્તવમાં કાર્ડ કઢાવતા ન હતા, પરંતુ લોકોને વિશ્વાસમાં લઈને ગેરમાર્ગે દોરીને તેમની સાથે છેતરપિંડી કરીને લૂંટ ચલાવતા હતા. રેલવેમાં કોઈ પણ પ્રકારનું સ્માર્ટ કાર્ડ અથવા અન્ય કાર્ડ કઢાવવા માટે કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરો. તમારો મોબાઈલ ફોન અથવા OTP કોઈની સાથે શેર ન કરો.
Reporter: admin







