News Portal...

Breaking News :

વડોદરામાં હોમગાર્ડ પર હુમલો કરનાર બે આરોપી ઝડપાયા

2026-04-13 11:45:58
વડોદરામાં હોમગાર્ડ પર હુમલો કરનાર બે આરોપી ઝડપાયા



નવાબજાર વિસ્તારમાં ઓવરટેકના ઝઘડાથી વધ્યો વિવાદ, CCTV અને સર્વેલન્સથી પોલીસએ આરોપીઓને પકડી પાડ્યા
નવાબજાર ગદા સર્કલ પાસે થયેલી મારામારીના કેસમાં ઝડપી પાડેલા બંને આરોપી


વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના નવાબજાર વિસ્તારમાં હોમગાર્ડ પર હુમલો કરનાર બે આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી.પ્રાપ્ત માહિતી મુજબ, તા. 04 એપ્રિલ 2026ના રોજ રાત્રે લગભગ 11:30 વાગ્યે નવાબજાર ગદા સર્કલ નજીક એક હોમગાર્ડ પેટ્રોલિંગ દરમિયાન હાજર હતા. તે સમયે બે અજાણ્યા બાઈક સવાર વચ્ચે ઓવરટેક કરવાની બાબતે બોલાચાલી શરૂ થઈ હતી. વિવાદ વધતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. હોમગાર્ડ દ્વારા બંનેને શાંતિ રાખવા અને ત્યાંથી ચાલ્યા જવા કહેવામાં આવ્યું હતું.પરંતુ આ વાતથી ઉશ્કેરાયેલા બંને આરોપીઓએ હોમગાર્ડ સાથે ગાળાગાળી કરી અને બાદમાં ઝપાઝપી કરી મારામારી કરી હતી. આ બનાવ અંગે સીટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023 હેઠળ કલમ 115(2), 296(બી) અને 54 મુજબ ગુનો નોંધાયો હતો.ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. 

CCTV ફૂટેજ, હ્યુમન સોર્સિસ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી.તપાસ દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ જય ભુપેન્દ્રરાવ ડોંગરે (ઉંમર 26) અને કાર્તિક કિરણભાઈ મોરે (ઉંમર 19) તરીકે થઈ છે. બંને આરોપીઓ વડોદરા શહેરના નવાબજાર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ ચાલુ રાખી છે. આ કાર્યવાહીથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસની સતર્કતા ફરી એકવાર સાબિત થઈ છે.શહેર પોલીસ દ્વારા આવા ગુનાઓ સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે અને જાહેર સ્થળોએ શાંતિ ભંગ કરનાર તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

Reporter: admin

Related Post