મતદાનના દિવસની રજાને કેન્દ્રમાં રાખીને પ્રવાસ આયોજન અશક્ય બને એવા એંધાણ....
મતનો અધિકાર એ ૧૪ મી એપ્રિલે જેમનો જન્મ દિવસ છે એ ભારત રત્ન બાબાસાહેબ દ્વારા ઘડવામાં આવેલા બંધારણ થી મળેલો અમૂલ્ય અધિકાર છે.લોકશાહીનો આધાર મતદાન અને મતાધિકાર છે.
મતદાન કરવામાં વધુમાં વધુ ૧૦ મિનિટ લાગે છે.ગરમાગરમ ભજીયા કે સમોસા લેવા કે દશેરાએ ફાફડા જલેબી લેવા લોકો ફરસાણની દુકાનમાં અર્ધો કલાક લાઈનમાં ઊભા રહે છે.પરંતુ મતદાન મથકે જવા કે મત આપવા લાઈનમાં ઊભા રહેવાનું ટાળે છે.નાગરિક તરીકેની આ બેજવાબદારી લોકશાહીને નબળી પાડે છે.
લોકસભા ચૂંટણીઓ હેઠળ તા.૭ મી મે ના રોજ ગુજરાતની ૨૬ બેઠકો માટે મતદાન થવાનું છે.મતદાન માટે લોકોની આળશ નિવારવા હાલમાં રાજ્યના મુખ્ય ચુંટણી અધિકારીની કચેરી અને તેમના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચુંટણી અધિકારીની કચેરીઓ દ્વારા વિવિધ ધંધા વ્યાપાર અને વ્યવસાયના મંડળો સાથે બેઠકો યોજી મહત્તમ મતદાન ના પ્રયત્નોમાં તેમને જોડી રહ્યાં છે.
તેના પરિણામે મતદાનની રજા ના દિવસે હરો ફરો અને મોજ કરો..મતદાન સિવાય બધું કરોના અભિગમ પર બ્રેક વાગે તેવા સંકેતો મળી રહ્યા છે.
૭ મી મે ના રોજ મંગળવાર છે.તેની અગાઉ રવિવારની રજા છે.એટલે સોમવારની રજા મૂકી દો અને ફરવા નીકળી પડોની બેફિકરાઈ આચરવી હવે અઘરી પડશે.
અમદાવાદના પ્રવાસ આયોજકો એટલે કે ટૂર ઓપરેટરોએ મતદાનના દિવસના અથવા આ તારીખને કેન્દ્રમાં રાખીને આગળ પાછળની તારીખો જોડીને કરવામાં આવેલા પ્રવાસ આયોજનો મુલતવી કરવાનો અને આ પ્રકારના નવા આયોજનો ન કરવાનો નિર્ણય લીધો છે.
આ પ્રકારના જે અગ્રીમ બુકિંગ કરવામાં આવ્યા છે તેમાં પ્રવાસીઓ ને રિફંડ આપવાનું નક્કી થયું છે.આ રીતે મતદાન વધારવામાં સહયોગના અભિગમ ને આવકાર મળી રહ્યો છે. ત્યારે વડોદરાના પ્રવાસ આયોજકો આ પહેલને અનુસરીને આ પ્રકારનો નિર્ણય લે તે જરૂરી જણાય છે.સો કામ પડતા મૂકી પહેલા મતદાન કરવું એ સૌ ની ફરજ છે.
મતદાન માં અવરોધરૂપ હોય એવી ધંધા વ્યવસાયની પ્રવૃત્તિ ન કરવી એ વ્યવસાયિકો ની ફરજ છે.ત્યારે વડોદરાના ટુર સંચાલકો જાગે,૭ મી મે ના પ્રવાસ આયોજનો પાછા ઠેલે અને નાગરિક કર્તવ્ય નિભાવે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે..
Reporter: