News Portal...

Breaking News :

ટ્રમ્પે યુદ્ધ બંધ નહીં થાય તો રશિયાને ૧૦૦ ટકા ટેરિફની સાથે ધમકી આપી

2025-07-16 11:35:41
ટ્રમ્પે યુદ્ધ બંધ નહીં થાય તો રશિયાને ૧૦૦ ટકા ટેરિફની સાથે ધમકી આપી


વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા પર આવતાની સાથે ૨૪ કલાકમાં રશિયા અને યુક્રેન યુદ્ધ બંધ કરાવી દઈશ તેવી શેખી મારી હતી, પરંતુ ટ્રમ્પે સત્તા સંભાળ્યાને છ મહિના થવા આવ્યા છતાં રશિયા અને યુક્રેન યુદ્ધ બંધ નથી થયું. 



રશિયન પ્રમુખ પુતિન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ગાંઠતા નથી. જેથી હવે ટ્રમ્પે યુદ્ધ બંધ નહીં થાય તો રશિયાને ૧૦૦ ટકા ટેરિફની સાથે સેકન્ડરી ટેરિફ નાંખવાની ધમકી આપી છે. બીજીબાજુ યુક્રેનને મોસ્કો પર હુમલા કરે તો અમેરિકાના હથિયારો પૂરા પાડવાની ઓફર કરી છે. ટ્રમ્પની ધમકી વચ્ચે રશિયાએ અમેરિકા પર પલટવાર કરતા કહ્યું કે, અમે પ્રતિબંધોથી ડરતા નથી. અમે મજબૂતીથી સામનો કરીશું.રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન ૫૦ દિવસમાં યુક્રેન સાથે શાંતિ સમજૂતી ના કરે અને યુદ્ધ ચાલુ રાખશે તો રશિયા ઉપર ૧૦૦ ટકા ટેરિફ લાદવાની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે. 


ઓવલ ઓફીસમાં નાટોના મહામંત્રી માર્ક રૂટે સાથે મંત્રણા દરમિયાન પ્રમુખ ટ્રમ્પે આ ચેતવણી આપી હતી. આ જ સમયે યુક્રેન અને રશિયા માટેના ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ રાજદૂત યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી અને રશિયન પ્રમુખ પુતિનને મળ્યા હતા. પ્રમુખ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધનો વહેલામાં વહેલી તકે અંત લાવવા ઇચ્છા દર્શાવી હતી અને રશિયાને ૧૦૦ ટકા ટેરિફની ધમકી આપી હતી. સાથે ટ્રમ્પે રશિયાને સેકન્ડરી ટેરિફની પણ ધમકી આપી હતી. એટલે કે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદનારા દેશો પર વધારાનો ટેરિફ નાંખવામાં આવશે.ભારત અને ચીન સહિતના દેશો રશિયા પાસેથી નીચી કિંમતે ક્રૂડ ખરીદે છે ત્યારે ટ્રમ્પે આ દેશો પર પણ વધારાનો ટેરિફ નાંખવાની ધમકી આપી છે. અમેરિકાએ અગાઉ પણ ભારતને રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ ટેરિફની ધમકી આપી હતી.

Reporter: admin

Related Post