વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક કાર્ટૂન પોસ્ટ કર્યું છે, જેમાં ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલને બરતરફ કરવાની તેમની યોજનાનો સંકેત આપવામાં આવ્યો છે.
આ કાર્ટૂન તસવીરમાં ટ્રમ્પ કહેતા જોવા મળે છે કે, 'તમને બરતરફ કરવામાં આવ્યા છે!' આ પોસ્ટ પોવેલના વ્યાજ દર ઘટાડવાના નિર્ણય બાદ કરવામાં આવી છે. ટ્રમ્પ અને પોવેલ લાંબા સમયથી આ મુદ્દા પર ઝઘડો કરી રહ્યા છે. ટ્રમ્પે પોવેલને આ પદ પર નિયુક્ત કર્યા હતા પરંતુ વ્યાજ દર મુદ્દે તેમની વાત ન માનતાં તેમને વારંવાર દૂર કરવાની ધમકી આપી રહ્યા છે.ટ્રમ્પે ફેડરલ રિઝર્વ ગવર્નર લિસા કૂકની પણ ટીકા કરી છે, જેનાથી અમેરિકન્સમાં દેશના અર્થતંત્રની દિશા અંગે ચિંતાઓ ઉભી થઈ છે. ટ્રમ્પની છેલ્લી બે પોસ્ટમાં થોડી મિનિટોના અંતરે શેર કરવામાં આવી હતી. જેમાં તેમણે હોમ લોન દર ઘટાડો કરવાનો દાવો કર્યો હતો.ખરેખર, આ મહિનાની શરૂઆતમાં, ફેડરલ રિઝર્વે તેના મુખ્ય વ્યાજ દરમાં 0.25%નો ઘટાડો કર્યો હતો અને આ વર્ષે વધુ બે વાર વ્યાજનો દર ઘટાડવાની આગાહી કરી હતી.
દેશના શ્રમ બજારની કથળતી સ્થિતિ અંગે ચિંતા વધી છે. ડિસેમ્બર બાદ છેક હાલ સપ્ટેમ્બરમાં વ્યાજ દર ઘટાડવામાં આવ્યો હતો, જેનાથી વ્યાજનો દર આશરે 4.3% થી ઘટી 4.1% થયો હતો.ચેરમેન પોવેલની આગેવાની હેઠળ ફેડ અધિકારીઓએ અગાઉ ટેરિફ, કડક ઇમિગ્રેશન નીતિઓ અને ટ્રમ્પ વહીવટીતંત્રના અન્ય નિર્ણયોની ફુગાવા અને અર્થતંત્ર પરની અસરનું મૂલ્યાંકન કરવા માટે દર સ્થિર રાખ્યા હતા. જોકે, ફેડનું ધ્યાન હવે ફુગાવાથી રોજગાર તરફ વળ્યું છે. અમેરિકામાં ફુગાવો ફેડના 2% લક્ષ્યાંકથી વધુ નોંધાયો છે, તાજેતરના મહિનાઓમાં નવી નોકરીઓ લગભગ બંધ થઈ ગઈ છે, અને બેરોજગારી દર વધી રહ્યો છે. વ્યાજના દરોમાં ઘટાડો નોંધાતા ઘર, વાહનો અને કંપનીઓ માટે લોન સસ્તી થઈ શકે છે, જેનાથી આર્થિક પ્રવૃત્તિ અને રોજગારમાં વધારો થવાની અપેક્ષા છે.
Reporter: admin







