વડોદરાઃ અમદાવાદ-મુંબઇ હાઇવે પર વડોદરા નજીક ટ્રાફિકની સમસ્યા ઉકેલવામાં તંત્રને કોઇ જ સફળતા મળતી નથી અને તેને કારણે વડોદરા-કરજણ હાઇવે પરના ગ્રામજનોમાં જબરદસ્ત રોષની લાગણી વ્યાપી છે.

વડોદરા-કરજણ વચ્ચે પોર અને બામણગામ બ્રિજ પાસે ખાડાઓને કારણે વાહનો ધીમા પડી જતા હોવાથી તેમજ સાંકડા બ્રિજને કારણે ટ્રાફિકની લાંબી કતાર જામતી હોય છે.ઉપરોક્ત બ્રિજો પર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે વારંવાર ખાડા પુરવાની તેમજ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.પરંતુ તેમ છતાં આ સમસ્યાનો જાણે તંત્ર પાસે કોઇ ઉકેલ હોય તેમ લાગતું નથી અને તંત્ર લાચાર સ્થિતિમાં મુકાઇ ગયું છે.
પરિણામે,આજે ફરીથી પોર અને બામણ ગામ વચ્ચે ચારેક કિમી સુધી ટ્રાફિક જામ થયો હતો.માત્ર કરજણ તરફ જતા જ નહિ પણ કરજણથી વડોદરા તરફ આવતા માર્ગ પર પણ ખાડાને કારણે ટ્રાફિક જામ થયો હતો.આમ,રસ્તાની બંને બાજુ લાંબી કતારો જામતાં વાહનચાલકો બે થી ત્રણ કલાક સુધી અટવાયા હતા.તંત્ર ધારે તો બધું જ કરી શકે છે તે વડોદરા પોલીસે સાબિત કરી આપ્યું છે અને વડોદરા પોલીસ કમિશનરના પ્રયાસોથી જામ્બુવા બ્રિજની લાંબા સમયની ટ્રાફિક સમસ્યા હાલ પુરતી દૂર થઇછે. જો કે,જામ્બુવા બ્રિજ પછી કરજણ તરફ જતા માર્ગ પર આવતા પોર બ્રિજ અને બામણ ગામ બ્રિજ પર હજી પણ ટ્રાફિકની સમસ્યા યથાવત છે.વડોદરા શહેર પોલીસે જામ્બુવા બ્રિજ પાસે રસ્તા સમતળ કરાવ્યા હતા અને પોલીસ ટીમોને ગોઠવી દીધી છે.તો લોકો એવો સવાલ કરી રહ્યા છે કે,પોર બ્રિજ અને બામણગામ બ્રિજ પાસે આવી રીતે પગલાં કેમ લેવામાં આવતા નથી.
Reporter: admin







