વડોદરા : કોર્પોરેશનની મુખ્ય કચેરી ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં થયેલા ગેરકાયદે દબાણ અને ફ્રુટના લારી ગલ્લા સહિત નાળિયેર વાળાઓને નવાપુરા પોલીસ અને ટ્રાફિક પોલીસના સંયુક્ત અભિયાનમાં તમામ ગેરકાયદે દબાણ કરનારાઓને હાંકી ખદેડી દેવાતા વિસ્તાર ખુલ્લો થયો હતો.
સતત વાહન વ્યવહારથી ધમધમતા અને ટ્રાફિકની ચલપહલવાળા તથા શહેરની મધ્યમાં આવેલી ખંડેરાવ માર્કેટ પાછળ વહેલી સવારથી જ વાહનોની ચહલપહલ અને ટ્રાફિકની અવરજવર ખૂબ જ વધી જાય છે. પરિણામે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાંથી વાહન લઈને પસાર થવું તથા ચાલતા જવું માથાના દુખાવારૂપ છે. સ્થાનિક ગેરકાયદે દબાણ કરનારા ફ્રુટના લારી ગલ્લા પથારાવાળા પોલીસને પણ ગાંઠતા નથી.
જેથી ટ્રાફિક પોલીસ અને નવાપુરા પોલીસના કાફલો આજે સવારે આ વિસ્તારમાં ત્રાટકયો હતો. વિસ્તારમાં ફુટપાથ પરથી ફ્રુટવાળા સહિત નાળિયેરવાળા તથા અન્ય ફ્રુટના લારી ગલ્લા પથારાના ગેરકાયદે દબાણ કરનારા વેપારીઓને ખદેડી હાંકી દેવાયા હતા. રોડ રસ્તાની બંને બાજુએ પોતાના ફ્રુટ સહિત અન્ય વેપાર ધંધાનો માલ સામાન ખડકી દઈને ફૂટપાથ પર દબાણ કરતા હોવાથી ફૂટપાથ પણ ક્યાંય દેખાતો નથી. જેથી શહેર પોલીસના અધિકારી અને ટીમે આ તમામ ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા. પોલીસની ટીમ ત્રાટકતા જ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસ દ્વારા થતી કાર્યવાહી દરમિયાન વાહન વ્યવહારને પણ અસર થઈ હતી.
Reporter: News Plus