News Portal...

Breaking News :

રાજુલા પંથકમાં મુશળધાર વરસાદ, પીપાવાવ ધામમાં પણ ભારે વરસાદ 22 જેટલા મજૂરોને સુરક્ષિત બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું

2025-06-17 10:11:14
રાજુલા પંથકમાં મુશળધાર વરસાદ, પીપાવાવ ધામમાં પણ ભારે વરસાદ 22 જેટલા મજૂરોને સુરક્ષિત બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું


અમરેલી:  શહેર અને જિલ્લામાં ભારે ઉકળાટ બાદ સોમવારે વહેલી સવારથી મેઘરાજાનું આગમન થયું છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં મોડી રાતથી વરસાદ ખાબકી રહ્યો છે.  


વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં અમરેલી જિલ્લાના રાજુલામાં 66 મિ.મી., સાવરકુંડલામાં 58 મિ.મી., ખાંભામાં 37 મિ.મી., લીલીયામાં 35 મિ.મી., જાફરાબાદમાં 31 મિ.મી., બગસરામાં 20 મિ.મી., અમરેલીમાં 17 મિ.મી. વરસાદ ખાબક્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. અમરેલી જિલ્લાના પીપાવાવ ધામ નજીક, ભારે વરસાદને કારણે સર્જાયેલા પાણીના પ્રવાહમાં ફસાયેલા મજૂરોને બચાવવા માટે રેસ્ક્યૂ કામગીરી શરૂ કરવામાં આવી છે. પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડ, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ દ્વારા પાણીના પ્રવાહમાંથી આશરે 22 જેટલા મજૂરોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 


સતત વરસાદ ચાલુ હોવા છતાં, અધિકારીઓને આશા છે કે થોડી જ વારમાં મોટાભાગના મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાશે.રાજુલાના ખાખબાઈ નજીક ધાતરવાડી નદીમાં 5 લોકો પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયા હતા. ડેમનું પાણી નદીમાં આવી જતાં અચાનક જ નદીનો પ્રવાહ વધી ગયો હતો. રાજુલા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દોરડા બાંધી લોકોને બહાર કાઢ્યા હતા.અમરેલીના રાજુલા પંથકમાં મુશળધાર વરસાદ વરસતા ધાતરવાડી ડેમ-2માં 20,000 ક્યુસેક પાણીની ભારે આવક થઈ છે. આને કારણે ધાતરવાડી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ડેમ ઓવરફ્લો થતા, ડેમના તમામ 16 દરવાજા ત્રણ-ત્રણ ફૂટ સુધી ખોલવાની ફરજ પડી હતી. પાણી છોડતા પહેલા સાયરન વગાડીને નીચાણવાળા અને નદી કાંઠાના અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ સિઝનના પ્રથમ ભારે વરસાદમાં જ ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે.

Reporter: admin

Related Post