દિલ્હી: અહીંના કાલકાજી વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
શુક્રવારે (12મી ડિસેમ્બર) બપોરે પોલીસને જાણ કરવામાં આવી હતી કે અનુરાધા કપૂર (52) અને તેના બે પુત્રો, આશિષ (32) અને ચૈતન્ય (27)ના મૃતદેહ તેમના ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા મળી આવ્યા છે.અહેવાલો અનુસાર, આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે કોર્ટના આદેશ પર ઘરનો કબજો લેવા માટે એક ટીમ ત્યાં પહોંચી હતી. ટીમે ઘણી વાર દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈ જવાબ ન મળતાં તેમણે ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલ્યો. અંદર જોતાં ત્રણેયના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જે દર્શાવે છે કે આ પરિવાર લાંબા સમયથી ગંભીર ડિપ્રેશનથી પીડિત હતો.
પોલીસની પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે પરિવાર લાંબા સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો. ઉપરાંત, તેઓ જે ઘરમાં રહેતા હતા તે અંગે પણ વિવાદ હતો, અને કોર્ટની ટીમ આ જ ઘરનો કબજો લેવા પહોંચી હતી.પડોશના લોકોએ જણાવ્યું હતું કે આ પરિવાર કોઈની સાથે વાતચીત કરતો નહોતો. તેમણે અગાઉ પણ પોતાના કાંડા કાપીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે તેમને સમયસર હોસ્પિટલ પહોંચાડી દેવાયા હતા. જો કે, પોલીસ ફરી આવી ત્યારે તેમને આ સામૂહિક આપઘાતની જાણ થઈ હતી. હાલ પોલીસે મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને સુસાઇડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Reporter: admin







