નવી દિલ્હી : ચૂંટણી પંચે આજે લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા પત્રકાર પરિષદ યોજી હતી અને દેશની જનતાને સંદેશો આપ્યો હતો કે,લોકોને યાદ હશે કે અગાઉ ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરવા માટે પૈસા અને સામાનની વહેંચણી કરવામાં આવી હતી. આ વખતે ન તો સાડીનું વિતરણ થયું છે, ન તો કૂકરનું વિતરણ થયું છે, ન તો દારૂનું કે ન તો પૈસાનું વિતરણ થયું છે.
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે કહ્યું હતું કે આ ચૂંટણીમાં મતદારોએ ઘણા રેકોર્ડ બનાવ્યા છે. આ વખતે મહિલાઓએ પણ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે. આ વખતે 31 કરોડ મહિલાઓએ મતદાન કર્યું છે, જે પહેલીવાર થયું છે. આ ચૂંટણીમાં વડિલો દ્વારા ઘરેથી મતદાન કરવાનો રેકોર્ડ પણ બન્યો છે. ભારતે લોકસભા ચૂંટણીમાં 31 કરોડ 20 લાખ મહિલાઓ સહિત 64 કરોડ 20 મતદારોની ભાગીદારી સાથે એક વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. આ આંકડો G7 દેશોના મતદારો કરતાં 1.5 ગણો અને 27 EU દેશોના મતદારો કરતાં 2.5 ગણો છે. આ વખતે જમ્મુ-કાશ્મીરમાં 4 દાયકામાં સૌથી વધુ મતદાન નોંધાયું છે.આ આપણા દેશની એવી સામાન્ય ચૂંટણીઓમાંથી એક છે જેમાં આપણે હિંસા જોઈ નથી. અમને આ ચૂંટણીની તૈયારી કરવા માટે બે વર્ષની જરૂર હતી. સીઈસીએ એમ પણ કહ્યું કે અમે મતગણતરી માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે અમે ભારતના મતદારોને સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ છીએ. અમે વૃદ્ધોના ઘરે જઈને તેમના મત લીધા છે. 85 વર્ષથી વધુ વયના મતદારોએ ઘરેથી મતદાન કર્યું હતું. 1.5 કરોડ મતદારો અને સુરક્ષા કર્મચારીઓના પરિવહન માટે 135 વિશેષ ટ્રેનો, 4 લાખ વાહનો અને 1692 ફ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચૂંટણી પર દેખરેખ રાખવામાં 68763 મોનિટરિંગ ટીમ રોકાયેલી હતી.
Reporter: News Plus