વકીલ મંડળની ચૂંટણીઓમાં પક્ષનાં લેબલથી સમીકરણો બદલાયા..
વડોદરા વકીલ મંડળમાં ભાજપનું લેબલ ધરાવતા વકીલો ધરાશાયી, ભાજપ જ ભાજપને ડુબાડે તેવો ઘાટ... વર્તમાન પ્રમુખ નલિન પટેલ સહિતનાં કેટલાક ઉમેદવારોની કારમી હાર થતાં શહેરના રાજકારણમાં ખળભળાટ મચ્યો.
નલિન પટેલની હારથી શહેર ભાજપમાં ખળભળાટ, વકીલ મંડળમાં બદલાયો માહોલ.
વડોદરા બાર એસોસિએશનની ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ નલિન પટેલ તથા અન્યનો કારમો પરાજય થયો છે. જ્યારે હસમુખ ભટ્ટનો વિજય થયો છે. નલિન પટેલની હાર બાદ શહેરના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો છે, કારણકે નલિન પટેલ ભાજપ સાથે સંકળાયેલ છે. નોંધનીય બાબત એ છે કે ચૂંટણીમાં મતદાન કરનાર ઘણાં વકીલો પણ ભાજપ સાથે સંકળાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં વકીલ મંડળની ચૂંટણીમાં આડકતરી રીતે ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. ‘ભાજપ જ ભાજપને ડુબાડશે’ તેવો ઘાટ અહીં સર્જાયો હોવાની ચર્ચા શહેરભરમાં ચાલી રહી છે.નલિન પટેલની હાર બાદ શહેર પ્રમુખ જયપ્રકાશ સોનીના કાર્યકાળમાં ભાજપને હારનો સ્વાદ ચાખવો પડ્યો હોવાનું મનાઈ રહ્યું છે. વડોદરા શહેરમાં ઘણા વકીલો ભાજપનાં લીગલ સેલ સાથે જોડાયેલા છે. કેટલાક સરકારી વકીલોનું મૂળ પણ ભાજપ જ છે. તેમજ ઘણા વકીલો ભાજપના વિવિધ મોરચાઓમાં પણ હોદ્દા ધરાવે છે. આ જ વકીલો પૈકીનાં કેટલાક સામે પક્ષે બેસી જતા ભાજપની કારમી હાર થઈ હોવાનું શહેર ભાજપના કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે.બીજી તરફ અમદાવાદમાં યોજાયેલી ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની ચૂંટણીમાં પણ ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. ઉપપ્રમુખ પદે અભિરાજ ત્રિવેદીની હાર થઈ છે. અભિરાજ ત્રિવેદી ભાજપના પૂર્વ મહેસૂલ મંત્રી તથા પૂર્વ વિધાનસભા સ્પીકર-સિનીયર વકીલ રાજેન્દ્ર ત્રિવેદીનાં પુત્ર છે. ભાજપમાં કાર્યરત અથવા ભાજપ સાથે સંકળાયેલા કેટલાક વકીલોની હાર થતાં અને જેમનાં પર ભાજપનું લેબલ લાગેલું છે તેવા વકીલો હારી જતાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે.વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખપદના દાવેદાર નલિન પટેલની હારને શહેર ભાજપ માટે શરમજનક ગણાવવામાં આવી રહી છે. હવે આગામી કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી હોવાથી શહેર પ્રમુખ માટે આ પરિણામ એક કસોટી સમાન માનવામાં આવી રહ્યું છે. વડોદરા વકીલ મંડળની ચૂંટણી પ્રતિષ્ઠાભરી ગણાય છે અને કોઇ માને કે ના માને, પરંતુ વકીલ મંડળ સાથે સંકળાયેલા ઘણા વકીલો ભાજપ અને કોંગ્રેસ સાથે એક યા બીજી રીતે જોડાયેલા હોય છે. તેથી નલિન પટેલની હારને શહેર ભાજપની હાર તરીકે પણ જોવામાં આવી રહી છે.આ ચૂંટણીમાં પ્રમુખ પદે હસમુખ ભટ્ટનો વિજય થયો હતો.જેઓનું ગોત્ર કોંગ્રેસ છે. તેમણે પોતાના હરિફ નલિન પટેલને 355 મતોથી પરાજય આપ્યો હતો.
રાજેન્દ્ર ત્રિવેદીનાં પુત્ર પણ હાર્યા
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની ચૂંટણીમાં પણ ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. ઉપપ્રમુખ પદે ભાજપના પૂર્વ મહેસૂલ મંત્રી તથા પૂર્વ વિધાનસભા સ્પીકર રહેલા દિગ્ગજ નેતા રાજેન્દ્ર ત્રિવેદીના પુત્ર અભિરાજ ત્રિવેદીએ ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. જ્યારે પૃથ્વીરાજસિંહ જાડેજાનો વિજય થયો હતો. પૃથ્વીરાજસિંહ જાડેજા અગાઉ પણ પ્રમુખ રહી ચૂક્યા છે. દિગ્ગજ ભાજપ નેતાના પુત્રની હારને શરમજનક ગણાવી શકાય તેમ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ભાજપ સાથે જોડાયેલા વકીલોની હાર થઈ હોવાનું મનાઈ રહ્યું છે. પોતાના જ પક્ષના કેટલાક વકીલ મિત્રો એ જ નલિન પટેલની બાજી બગાડી છે તેવું ચર્ચાઈ રહ્યું છે.ખેર વકીલ મંડળની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ પક્ષની સીધી દોરવણી હોતી નથી,પરંતુ અસર તો વર્તાય છે. પક્ષનાં લેબલથી સમીકરણ તો જરૂર બદલાઈ જાય છે.
Reporter: admin







