News Portal...

Breaking News :

ગિરનાર પર્વત ક્ષેત્રમાં ક્યાંય સર્વે નંબર નથી છતાં સર્વે નંબર સાથેના નકશા તૈયાર થઈ ગયા

2026-04-12 14:36:21
ગિરનાર પર્વત ક્ષેત્રમાં ક્યાંય સર્વે નંબર નથી છતાં સર્વે નંબર સાથેના નકશા તૈયાર થઈ ગયા



જૂનાગઢ : તાજેતરમાં ગિરનાર પરની એક જગ્યાએ વનવિભાગની મંજૂરી આપતા વિવાદ થયો છે. 

આ મુદ્દે ગતરાત્રીના ભૂતનાથ મંદિરે ગિરનાર બચાવ સમિતિની બેઠક મળી હતી. તેમાં ઉપસ્થિત સાધુ-સંતો તેમજ અન્ય સંગઠનના કાર્યકરો- આગેવાનોએ એવો સૂર વ્યક્ત કર્યો કે ગિરનાર ક્ષેત્રમાં ક્યાંય સર્વે નંબર નથી છતાં સર્વે નંબર સાથેના નકશા તૈયાર થઈ ગયા છે, જે ગેરકાયદેસર છે. આ અંગેની તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાની માંગ સાથે તા. 23 એપ્રિલના આવેદનપત્ર આપવા નિર્ણય લેવાયો હતો.ગિરનારની પાછળની સીડી પર શેષાવન નજીક 1979માં કલેક્ટરે જગ્યા શ્રી શ્વેતાંબર તપગચ્છ મૂર્તિપૂજક જૈન સંઘને ફાળવી હતી. 2008માં અભયારણ્ય જાહેર થયા બાદ સેટલમેન્ટ કમિશન સમક્ષ હક્ક દાવો રજૂ કર્યો ન હતો. અભ્યારણની જમીન બની ગઈ હતી છતાં સરકારમાંથી આ જમીન ફાળવવા આદેશ કરાવવામાં આવ્યો હતો. આ બાબત સામે આવતા સાધુ સંતો અને અન્ય સંગઠનોએ સવાલ ઉઠાવ્યા છે. 

આ મુદ્દે ગઈકાલે ભૂતનાથ મંદિર ખાતે ગિરનાર બચાવ સમિતિની બેઠક મહેશગીરીબાપુ, સુખરામદાસ બાપુ, ભગવતીદાસ બાપુ સહિતના સાધુ-સંતોની હાજરીમાં મળી હતી. આગેવાનોએ કહ્યું કે 'ગિરનાર એ આપણા બધાનો છે જેને બચાવવો જરૃરી છે. આ બેઠકમાં જીતુભાઇ કુંભાણીએ ગિરનારના નકશા સાથે જણાવ્યું હતું કે, ગિરનાર પર્વત પર કોઈ સર્વે નંબર નથી પરંતુ આ વિસ્તારમાં સર્વે નંબર સાથેના નકશા તૈયાર થઈ ગયા છે. જેના માટે લેન્ડ રેકર્ડના અધિકારી અને સરકારના ઉપરની કક્ષાએ બેસેલા અધિકારીઓ જવાબદાર છે. અગાઉ જે 46- 47 જગ્યા હતી તે હવે 102 જેટલી થઈ ગઈ છે. સાર્વજનિક સ્થાન જેવા કે ભીમકુંડ, હાથીકુંડ જેવા પાણીના સ્ત્રોત પર પણ કબ્જો ગયો છે. આ નિયમોનું ઉલ્લંઘન છે. આ બાબતે તા. 23ના આવેદનપત્ર આપી તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી અને જ્યાં કબ્જો થયો છે એવી જગ્યા પર દબાણ દૂર કરાય.

Reporter: admin

Related Post