માંડવીની દુર્દશા, દરેક જણ માંડવીને કચરાપેટી સમજી રહ્યું છે. હવે કલરકામવાળા કચરો ત્યાં જ મુકીને જતા રહ્યા

શહેરનાં ઐતિહાસિક વિરાસત વારસાનું યોગ્ય રિસ્ટોરેશન થાય જાળવણી થાય તે માટે છેલ્લા 183 દિવસથી પૂજારી હરિઓમ વ્યાસ તપ કરી રહ્યા છે.કોર્પોરેશનનાં સત્તાધીશોનાં પેટનું પાણી હલતું નથી. કમિશનરે હજી ઐતિહાસિક માંડવી દરવાજાનું ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી નથી. કમિશનર પોતે પણ માંડવી બાબતે ગંભીર નથી. બીજી તરફ જે કોન્ટ્રાક્ટરો માંડવીમાં કામ કરવા આવે છે તે કામ કર્યા પછી તેનો કચરો ત્યાં જ મુકીને ચાલતા થઇ જાય છે. હવે લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરોએ માંડવીને કચરા પેટી સમજી લીધી છે. અગાઉ પણ સવાણીના માણસો કચરો ત્યાં જ મુકીને જતા રહ્યા હતા. હવે વોર્ડ નં 14ની કચેરી દ્વારા ફેન્સીગ કરીને કલર કરવામાં આવ્યો હતો તે માણસો પણ કચરો ત્યાં જ મુકીને જતા રહ્યા છે. નવાઇની વાત એ છે કે ફેન્સીગમાં કલર જ્યાં કરવાનો હતો ત્યાં કલર કર્યો જ નથી. કમિશનરે સમજી લેવાની જરુર છે કે અત્યારે તમે જે કામ કરાવો છે તે માંડવીની સુરક્ષા આપી શકશે નહી. માંડવીની રોજે રોજ દુર્દર્શા થઇ રહી છે. કમિશનર ક્યારે આ મામલે ગંભીર થશે તે વિશે પ્રશ્ન છે. ભાજપના પદાધીકારીઓ પણ માંડવી પ્રત્યે કોઇ રસ દાખવતા નથી. જેને પોતાનો વારસો સાચવવાની ત્રેવડ કે હિંમત કે ઇચ્છા નથી તેવા શાસકોના હાથમાં વડોદરાની સત્તા છે તે શરમજનક છે. કમિશનરને, ઇવેન્ટો કરવામાં જ રસ છે. આ બધા કારણોને લીધે માંડવી ઐતિહાસિક દરવાજાને વધુને વધુ નુકસાન થતું જાય છે. જે રીતે મહાનગરપાલિકા દ્વારા માંડવી ચાર દરવાજાના જર્જરીત પીલરને લોખંડની પ્લેટો વડે પ્રોટેક્શન આપવામાં આવ્યું તેવી જ રીતે માંડવીને બહારથી પ્રોટેક્શન આપવા માટે લોખંડની ફેન્સીંગ કરવામાં આવી છે. માંડવીનાં પિલરને પણ નુકસાન થયું છે. ચાર દરવાજામાં ભારે વાહનો બંધ કરાવો તે સતત માગ રહી છે. ટ્રાફિકનું ભારણ ઓછું કરાવો પરંતુ પોલીસ વિભાગ દ્વારા કે ટ્રાફિક વિભાગ દ્વારા આની પર કોઈ યોગ્ય પગલા આજ દિન સુધી ભરવામાં આવ્યા નથી. ટ્રાફિક વિભાગ જેટલું ટ્રાફિક નિયમનું ભંગ કરનારને દંડ કરવામાં એક્ટિવ છે.જો આવું જ એક્ટિવ આ માંડવી દરવાજાની ફેન્સીંગને- પીલરને નુકસાન પહોંચાડનાર પ્રત્યે રહ્યું હોત તો આ ઐતિહાસિક ઈમારતને નુકસાન પહોંચાડનાર ની સામે યોગ્ય પોલીસ કાર્યવાહી કરી તેમજ સરકારી ઈમારતને નુકસાન પહોંચાડવા માટે એની ઉપર યોગ્ય કાયદેસર પગલા ભરી દંડ વસૂલી શકત. પરંતુ એ બાબતની કાળજી પોલીસ વિભાગે કે ટ્રાફિક વિભાગે રાખી નહીં. સીસીટીવી કેમેરાનાં ફુટેજ ઉપરથી આ રીતે સરકારી ઇમારતને નુકસાન પહોંચાડનાર પર કાયદેસરની કાર્યવાહી થાય ને તેની પાસેથી દંડ વસૂલાય જેથી કરીને વાહન ચાલકો ઐતિહાસિક ઇમારતોને પાસેથી સાચવીને વાહનો ચલાવે તે જરુરી છે.

માંડવીને પ્લેટો કે ફેન્સીંગ કરવાથી સુરક્ષીત નહી થાય
વોર્ડ 14ની કચેરીએ ફેન્સિગ કર્યું અને કલર કામ આગળ પાછળ કર્યું પણ ઉપર નીચેથી કલર કામ કર્યું નથી અને વેઠ ઉતારી છે. બીજુ કે કલર કામ કર્યા પછી રંગકામનો કચરો મુકીને તેઓ જતા રહ્યા છે. કોર્પોરેશનનું કોઇ જ સુપરવિઝન અને મોનિટરીંગ નથી. માંડવીને પ્લેટો કે ફેન્સીંગ કરવાથી સુરક્ષીત નહીં થાય કારણ કે માંડવીને રોજ નુકશાન થઇ રહ્યું છે. રાજવી પરિવારમાંથી મહારાણી રાધિકારાજે ગાયકવાડ પણ અહીં આવ્યા હતા અને રાજમાતા પણ આવ્યા છતાં પણ કમિશનરે ગંભીરતા લીધી નથી. તમે માત્ર ઇવેન્ટ કરો પણ માંડવી હાલ ટોપ પ્રાયોરીટી છે તેને ખેંચી રહ્યા છે.
હરી ઓમ વ્યાસ, પૂજારી

Reporter: admin







