વડોદરા : શહેર અને જિલ્લાના 16 જેટલા કેન્દ્રો પર ધો.10 અને 12ની ગુજરાત બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી લગભગ પૂર્ણતાના આરે છે. બે દિવસમાં ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી સમેટાઈ જશે. તા.11 માર્ચથી આ કેન્દ્રો પર ઉત્તરવહીઓની ચકાસણી શરૂ કરવામાં આવી હતી.
દરમિયાન ધો.10ના સાત કેન્દ્રો પર મુખ્ય વિષયો જેવા કે સમાજવિદ્યા, ગણિત, ગુજરાતી અને વિજ્ઞાનની ઉત્તરવહીઓની ચકાસણી પૂરી થઈ ગઈ છે. હવે વૈકલ્પિક વિષયોની જ કેટલીક ઉત્તરવહીઓ ચકાસવાની બાકી છે. આ કામગીરી આવતીકાલ, ગુરૂવાર સુધીમાં પૂરી થઈ જાય તેવું અનુમાન છે. ધો.10ની ઉત્તરવહીઓ તપાસવા માટે દરેક કેન્દ્રો પર સરેરાશ 85 ટકા જેટલા શિક્ષકો હાજર રહ્યા છે દરેક કેન્દ્ર પર સરેરાશ 25,000 જેટલી ઉત્તરવહીઓની ચકાસણી થઈ છે.
ધો.12 સાયન્સમાં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમની ઉત્તરવહીઓની ચકાસણી માટેના કુલ ચાર કેન્દ્રો પૈકી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની મેથ્સ, ફિઝિકસ, કેમેસ્ટ્રી અને બાયોલોજીની ઉત્તરવહીઓની ચકાસણી પૂરી થઈ ગઈ છે. અંગ્રેજી માધ્યમની ઉત્તરવહીઓ તપાસવાનું કામ આવતીકાલે, ગુરૂવાર સુધીમાં પૂરું થઈ જવાની ધારણા છે. દરેક કેન્દ્ર પર સરેરાશ 6000 જેટલી ઉત્તરવહીઓ તપાસવામાં આવી છે.
Reporter: admin







