હરણી બોટકાંડના પીડિતો સાથે શરુ થઇ મજાક, સરકારી સહાય આપવાના નામે અપાઇ રહી છે લોલીપોપ..

વડોદરાના હરણી બોટકાંડના પીડિતોને હજુ સુધી વળતર કે ન્યાય મળ્યો નથી પણ ઉલટાનું તેમને યેકનેક પ્રકારેણ હેરાન કરવાના કાવતરાં સરકારી કચેરીઓ અને પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે. હવે જ્યારે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે અને હરણી બોટકાંડના ગુનેગારોને સરકાર છાવરી રહી છે તેવો કડક મેસેજ જનતામાં જતો રહ્યો છે. ત્યારે હરણી કાંડના પીડિતોને લલચાવવાના પ્રયાસો શરુ થયા છે. તેમને સારી યોજનાઓનો લાભ મળશે તેમ જણાવાઇ રહ્યું છે અને તેમને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હોબાળો મચાવવા માટે કોર્પોરેટર આશિશ જોષીએ તૈયાર કર્યા હોવાનું જણાવવા કહેવામાં આવી રહ્યું છે. પણ પીડિતો માત્ર ન્યાય મળે તે માંગને વળગી રહીને અમે કોઇ કાળે આશિશ જોષીનો સાથ નહી છોડીએ તેમ જણાવી રહ્યા છે. હવે છેલ્લા ચાર પાંચ દિવસથી બોટ કાંડ પીડિત પરિવારો ને મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા ફોન કરીને સરકારી સહાય આપવા માટે લાલચો આપવામાં આવી રહી છે. મામલતાદર (પૂર્વ)માં ફરજ બજાવતા દિવ્યાંગ પરમાર નામના શખ્સે એક મૃત બાળકના પિતા માહિર શેખને ફોન કરીને જે તમારી જરુરીયાત હોય તો લઇ લેવા જણાવ્યું છે. તો સાથે એમ પણ કહ્યું છે કે તમારે જે જરુર હોય તે અમને ફોન કરજો તો અમે તમને મદદ કરીશું. છેલ્લા ૧૮ મહિનાથી ન્યાયની પ્રતિક્ષા કરતા હરણી બોટ દુર્ઘટનામાં માર્યા ગયેલા બાળકોના પરિવારોને આ રીતે પ્રલોભન આપવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ સાથે ધર્મ કે નાત જાત જોયા વગર જ બાર બાળકો અને બે શિક્ષીકાઓને ન્યાય અપાવવા લડતા કોર્પોરેટર આશિષ જોશીથી વાલીઓને અલગ કરવા સરકારી યોજનાઓનું લોલિપોપ આપવામાં આવી રહ્યું હોવાનો ખુલાસો થયો છે. બાર મૃત બાળકોના ઘરે મામલતદાર કચેરીના કર્મચારીઓનાં આંટાફેરા થઇ રહ્યા છે. તમને શું જોઇએ છે..તેવો સર્વે કરીએ છીએ તેમ કહીને મામલતદાર પૂર્વની ઓફિસથી દિવ્યાંગ પરમાર નામના કર્મચારીનો વાલી મોહમ્મદ માહિર શેખ પર ફોન આવ્યો હતો અને ફોન પર બંનેને જે રીતે વાતચીત થઇ હતી તે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.સરકારી કર્મચારીએ અનેક લાલચો આપી છતાં પીડિત મોહમ્મદ માહિર શેખે તમામ ઓફરો ઠુકરાવી પોતાને અને અન્ય પરિવારોને ન્યાય મળે તે આપવા જણાવ્યું હતું. માહિર શેખ આ ઓડિયો ક્લિપમાં જણાવી રહ્યા છે કે અમને ન્યાય જોઇએ છે. અમારે એક વર્ષથી એસીબીમાં અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી છે. પણ અમારી અરજી લેવામાં જ આવતી નથી. તેમણે કહ્યું કે આ મામલામાં વિનોદ રાવ જવાબદાર છે અને સરકાર તેને છાવરી રહી છે.

બાલાજી કોમ્પલેક્સ સ્થિત બાલાજી ફાઇનાન્સમાંથી ફોન..
તમારા રુપિયા માફ થશે પણ લખીને આપો કે આશિષ જોશીએ તમને તૈયાર કરેલા....
બીજી તરફ પીડિતોને અપાતા લોભાવનારા પ્રલોભનોનો બીજો કિસ્સો પણ બહાર આવ્યો છે જેમાં શૌકતઅલી નામના અન્ય વાલીને બાલાજી ફાઇનાન્સના સંચાલકે લોન માફ કરવા લાલચ આપી હતી. બદલામાં આશિષનો સાથ છોડવાની શરત પણ મુકી હતી. માણકી કોમ્પલેક્સમાં આવેલી બાલાજી ફાઇનાન્સ નામની કંપનીમાંથી સતિશ પિલ્લાઇ નામના શખ્સે બાળકના પિતા શૌકતઅલીને ફોન કર્યો હતો અને પીડિત પરિવારને રૂપિયા ની લાલચ આપી ને કહ્યું કે તમને અહિયા થી જ મુખ્ય મંત્રી સાથે વાત કરવી દેવાશે અને તમારા વળતર કરતા વધુ રોકડ રકમ તમને આપી દઈએ પણ ખાલી તમારે અમને લખી ને આપવાનું કે પંડિત દિન દયાલ હોલ માં મુખ્યમંત્રીનાં કાર્યક્રમમાં આશિષ જોષીએ અમને હોબાળો મચાવવા માટે તૈયાર કર્યા હતા. મુળ વાત એ છે કે શૌકત અલી નામના એક વાલી પીડિત પરિવારોમાં છે એને આ રીતે વ્યાજના રૂપિયા પાછા નહીં આપવા પડે અને ઉપરથી મુખ્ય મંત્રી સાથે સીધી મુલાકાત કરવીશું અને વળતર કરતા વધારે રકમ મળશે ખાલી તમારે લખીને આપવું પડશે કે આશિષ જોષી આમાં માસ્ટર માઈન્ડ છે તેમ કહેવા જણાવાયું હતું.
ચૂંટણી છે એટલે આ લોકોને હરણી બોટકાંડના પીડિતો યાદ આવ્યા...
હવે કોર્પોરેશનનું ઇલેક્શન નજીક આવી રહ્યું છે અને એટલે સરકારને હરણી બોટકાંડના પીડિતો યાદ આવ્યા છે. આ જ પીડિતોની માતાઓને ક્રાઇમ બ્રાન્ચમાં ત્રણ કલાક સુધી ગોંધી રખાઇ હતી. માતાઓએ રજૂઆત કરી અને ત્યારબાદ મહિને દોઢ મહિનો થયો છે અને હવે આ રીતે મામલદારો દ્વારા ફોન આવવા માડ્યા છે અને લાલચો આપવાનું શરુ થઇ ગયું છે. ચૂંટણી છે એટલે જ આ લોકો હવે લાલચો આપી રહ્યા છે કારણ કે તેમની પાસે બીજો વિકલ્પ નથી.
આશિષ જોશી, કોર્પોરેટર
Reporter: admin







