રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડોદરા જિલ્લાના વાઘોડિયા સ્થિત શૈક્ષણિક સંસ્થા ડૉ. એન. જી. શાહ સાર્વજનિક હાઇસ્કૂલના અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે.

આ સંસ્થાને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરના ઉપલક્ષ્યમાં એક વર્ષ સુધી થનારી ઉજવણીના પ્રારંભે રાજ્યપાલએ છાત્રોને સદ્દવિદ્યા અને પ્રાકૃતિક કૃષિનો બોધ આપ્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, ભારતની પ્રાચીન પરંપરામાં વિદ્યાનું અનોખું મહત્વ રહ્યું છે. કોઇ પણ વ્યક્તિનું સાચું ધન વિદ્યા અને જ્ઞાન છે. આ ધન ચોરી શકાતું નથી. તે વાપરવાથી વધે છે. તેનો મસ્તિષ્ક ઉપર ભાર પણ લાગતો નથી. સંસ્કૃતિના વિવિધ સુભાષિતોનો ઉલ્લેખ કરી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, વિદ્યાથી વિનય આવે છે, વિનયથી સરળતા આવે છે. સરળતાથી પાત્રતા આવે છે. પાત્રતાથી ધન આવે છે અને ધનથી ધર્મ આવે છે. જીવનનું અંતિમ લક્ષ્ય ધર્મ હોવો જોઇએ. ધર્મથી જીવનમાં સુખ અને શાંતિ આવે છે. વિદ્યા એ જીવનની સાચી મૂડી છે. છાત્રોને શીખ આપતાં રાજ્યપાલએ કહ્યું કે, વિદ્યા એ એવું દાન છે, જેનો જેટલો ખર્ચ કરીએ એટલી તેમાં વૃદ્ધિ થાય છે. સુશિક્ષિત બાળક પરિવારનું ભવિષ્ય સુધારી શકે છે. પરિવારનું ભવિષ્ય બદલતા સમાજમાં પરિવર્તન આવે છે. સામાજિક પરિવર્તનથી ગામ કે શહેરમાં બદલાવ આવે છે અને ગામમાં આવેલા પરિવર્તનથી રાષ્ટ્રનું નિર્માણ છે. શિક્ષણનો હેતું રાષ્ટ્ર નિર્માણનો હોવો જોઇએ. રાજ્યપાલએ મોબાઇલ ફોનના અવિવેકપૂર્ણ ઉપયોગ બાબતે પણ ટકોર કરી હતી. આ બાબતે તેમણે કહ્યું કે, બાળકોએ તેમના અભ્યાસકાળ દરમિયાન મોબાઇલ અને ટેલિવિઝનની ફિલ્મી ભ્રામક દુનિયાથી દૂર રહેવું જોઇએ.

છાત્રકાળમાં બાળકનો મોટો સમય ટીવી અને મોબાઇલમાં જતો રહેતો હોવાથી અભ્યાસ ઉપર તેની માઠી અસર પડે છે. બાળકોએ મોબાઇલ અને ટીવીનું વળગણ છોડવું જોઇએ. એક શિક્ષક તરીકેના પોતાના અનુભવો વર્ણવતાં તેમણે કહ્યું કે, ધોરણ આઠથી દસના અભ્યાસ દરમિયાન બાળકોમાં ઘણા શારીરિક અને માનસિક પરિવર્તન આવે છે. આવી કિશોરાવસ્થામાં દિલથી નિર્ણયો લેવાના બદલે બુદ્ધિયુક્ત નિર્ણયો લેવા જોઇએ. ફિલ્મોમાં જે દિલની વાતો કરે છે, એનાથી ભ્રમિત થવાને બદલે બુદ્ધિયુક્ત નિર્ણયો લેવાથી જીવનમાં સુખાકારી આવે છે અને કલ્યાણકારી બને છે. બાળકોએ તેમના માતાપિતા કે શિક્ષકો સાથે મુક્ત મને ચર્ચા કરવી જોઇએ. આ ચર્ચા થકી જ બાળકોને તેમના પ્રશ્નોનું સમાધાન મળશે. રાજ્યપાલએ બાળકોને જન્ક ફૂડને બદલે આરોગ્યપ્રદ અને પોષણયુક્ત આહાર ગ્રહણ કરવાની સલાહ આપી હતી. રાસાયણિક ખાતરો અને કિટનાશકોના કારણે જમીનને થયેલા નુકસાન બાબતે ઉપસ્થિતોને ચેતવતા આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, આવા ખાતરો અને દવાઓના કારણે આપણા ખોરાકમાં ઝેર આવી રહ્યું છે. એવા પણ અહેવાલો પ્રસિદ્ધ થયા છે કે, માતાના ધાવણમાં પણ પેસ્ટિસાઇડની હાજરી જોવા મળી છે. સાવ નાની ઉંમરના બાળકોને કેન્સર અને હાર્ટએટેક જેવા દર્દો લાગે છે. જમીન કડક અને બિનઉપજાઉ બની રહી છે. આના કારણે જળ-વાયુ પરિવર્તન જેવી વૈશ્વિક સમસ્યાઓનો સામનો કરવાનો સમય આવી પડ્યો છે. થોડા દાયકાઓ પહેલાં આપણે ખાતરો કે કિટનાશકોના ઉપયોગ વિના ખેતી કરતા હતા. પણ હવે સરળતાથી કૃષિ ઉત્પાદન મેળવવા માટે ખાતરોનો બેફામ ઉપયોગ કરીએ છીએ. તેના કારણે જમીન બંજર થઇ જાય છે. કૃષિ ઉત્પાદનોની અંદર ઝેર આવી જાય છે. આવા ઉત્પાદનો આપણે ખાઇએ છીએ. જમીનમાં પાણીના સ્તર પણ નીચા ગયા છે. આ સમસ્યાનું સમાધાન પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ છે. સૌ ખેડૂતોએ રાસાયણિક ખાતરોનો ઉપયોગ ટાળી નજીવા ખર્ચે થતી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવી જોઇએ. કેટલાક લોકોમાં એવી ગેરમાન્યતા છે કે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદન ઘટે છે, પણ આ વાત ખોટી છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના નિરીક્ષણોમાં એ વાત ફલિત થઇ છે કે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદન અને આવક, બન્ને વધે છે. આ શાળાની જમીનમાં પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી, હાલોલ દ્વારા તૈયાર કરવામાં આવેલા મોડેલ ફાર્મની રાજ્યપાલએ મુલાકાત લઇ ત્યાં વૃક્ષારોપણ કર્યું હતું. શાળા પરિસરમાં તેમને ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યું હતું. રાજ્યપાલના હસ્તે શાળાના તેજસ્વીછાત્રોનું સન્માન અને શાળાની સ્મરણિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.સ્વાગત પ્રસંગે વાઘોડિયા યુવક કેળવણી મંડળના મંત્રી રાકેશભાઈ કાશીવાળાએ જણાવ્યું કે વર્ષ ૧૯૫૧ માં ફક્ત ૮૮ વિદ્યાર્થીઓ સાથે વાઘોડિયા યુવક કેળવણી મંડળની શરૂઆત કરવામાં આવી હતી. આજે અમૃત મહોત્સવ પ્રસંગે વાઘોડિયા યુવક કેળવણી મંડળ અંતર્ગતના શાળાઓમાં અંદાજિત ૨૭૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓમાં ભણતરની સાથે સંસ્કારોનું જ્ઞાન કેળવાઈ રહ્યું છે. પ્રાસંગિક ઉદ્બોધન કરતાં વૈષ્ણવાચાર્ય પંકજકુમાર ગોસ્વામીએ જણાવ્યું કે, બાળકોના અભ્યાસમાં ભારતીય સંસ્કૃતિ, શિસ્ત અને સંસ્કારો કેન્દ્રમાં હોવા જોઈએ. ભારતની સંસ્કૃતિ ઋષિ અને કૃષિની સંસ્કૃતિ છે. આજે ભારત દેશ ઋષિ પરંપરાની પ્રાકૃતિક કૃષિ અપનાવીને ફરી સમૃદ્ધિના માર્ગ તરફ વળ્યો છે. આ સાથે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને કદમના વૃક્ષોનું વાવેતર કરવા માટે અપીલ કરી હતી.આ પ્રસંગે ટ્રસ્ટી મનોજભાઈ શાહ, હર્ષદભાઈ, પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. સી.કે. ટીંબડીયા, જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા, જિલ્લાના ખેડૂતો, સખીમંડળની બહેનો, વાલીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.







Reporter: admin







