News Portal...

Breaking News :

મંદિર પૂછે એક સવાલ.... મંદિર પાછળ કચરો ઠાલવી ઉકરડો કરવો એ સામાજિક શરમ ની વાત નથી???

2024-06-06 09:19:55
મંદિર પૂછે એક સવાલ.... મંદિર પાછળ કચરો ઠાલવી ઉકરડો કરવો એ સામાજિક શરમ ની વાત નથી???



મંદિર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે,ભક્તિ ધામ છે અને સામાજિક જગ્યા છે.મંદિર પ્રત્યે સમાજમાં સૌ ની ફરજ છે કે મંદિર અને આસપાસની જગ્યાને સ્વચ્છ અને હરિયાળી રાખીએ.અને ઘણાં ભાવિકો મંદિર દર્શનની સાફ સાફ સફાઈ ની જવાબદારી સ્વૈચ્છિક ઉઠાવી લેતાં હોય છે.આ પણ એક પ્રકારની ભક્તિ છે.



આવા પવિત્ર મંદિરની પાછળ, એની દીવાલને અડી ને જ સડેલા શાક ભાજી,રસોડાનો એંઠવાડ,પ્લાસ્ટિક વેસ્ટ જેવા ગંધાતા કચરાના ઢગલાં ની કલ્પના કોઈ કરી શકે? જેની કલ્પના ના થઈ શકે એ કડવી વાસ્તવિકતા છે.આ તસવીર પરિવાર થી સોમા તળાવ તરફ ના રસ્તે સ્વામી નારાયણ ગુરુકુળ નજીકની છે.આ પ્રાંગણ દીવાલો મંદિર દ્વારા બનાવવામાં આવી છે અને એના પ્રત્યેક બ્લોક ની વચ્ચે સનાતન ધર્મમાં ધર્મ શક્તિ ના પ્રતિક જેવા તિલક કોતરેલા છે.તિલક નો ખૂબ મહિમા છે. એ સાક્ષાત પ્રભુ સ્વરૂપ ગણાય છે.શુધ્ધ બુદ્ધિ અને નિર્મળ ચિત્ત,દિવ્ય શાંતિ માટે કપાળે તિલક ધરવામાં આવે છે.લગભગ ૬ મહિનામાં વડોદરા શહેરમાં બે સફાઈ ઝુંબેશ થઈ ગઈ. લેપટોપ પર સતત ફરતી બૌદ્ધિક નેતાઓની આંગળીઓ એ તેના હેઠળ પરસેવો પડે એટલી સફાઈ કરીને ફોટો પડાવ્યા.



તેમ છતાં,આ મંદિર ની દીવાલ ને ચોંટેલો ઉકરડો ના હટ્યો.ઉકરડો જિદ્દી હોય એ સહેલાઇ થી ના હટે.દૃશ્ય એવું  છે કે કડવા લાગે એવા શબ્દો વાપરવા પડે.શું તિલકને,પ્રભુ ના પ્રતીકને આપણે આવો પ્રસાદ ધરવાનો? આ સ્થળ ની આસપાસ સનાતન ધર્મીઓ ની જ વસતી છે. અહીં કોઈ વિધર્મી નો વસવાટ નથી.મનપા ની કચરા એકત્રીકરણ ગાડી કચરો લેવા નિયમિત આવે છે.છતાં આવતા જતાં લોકો ઘેરથી થેલી માં કચરો લાવી અહીં ઠાલવે છે.ધર્મના પ્રતિક ની પણ ઈજ્જત રાખતા નથી.વાત વાતમાં લાગણી દુભાઈ જાય છે પરંતુ તિલક સામે ઉકરડો જોઈને કોઈની લાગણી દુભાતી જ નથી? આ વિસ્તારના નગર સેવકોની આંખે આ વરવું દૃશ્ય ચઢતું નથી.લોકો કચરો ના ઠાલવે એ માટે ભગવાનના ફોટા લગાવવા જેવી યુક્તિઓ કરવી પડે છે. અહીં તો કદાચ એ યુક્તિ પણ નિષ્ફળ ગઈ છે.પરમાત્મા સૌ ને સદ અને સત બુદ્ધિ આપે...

Reporter: News Plus

Related Post