સુરત: સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલે વધુ એકવાર દારૂના મસમોટા અડ્ડાનો પર્દાફાશ કર્યો છે.
પુણા વિસ્તારમાં ઝૂપડામાં ચાલતા મિનિ બાર પર SMCએ દરોડો પાડી નશો કરવા આવેલા 14 શખ્સોને ઝડપી પાડ્યા હતા જ્યારે 30 લોકો ફરાર થઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળ પરથી ઈંગ્લીશ દારૂની 5600થી વધુ બોટલ અને દેશી દારૂનો જથ્થો પણ ઝડપી પાડ્યો હતો. પુણાના ઔદ્યોગિક વિસ્તારમાં આટલા મોટા પ્રમાણમાં દારૂ પહોંચ્યા બાદ બેરોકટોક વેચાણ ચાલતુ હોવાનું સામે આવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. મળતી માહિતી પ્રમાણે, સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલા ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઓર્ચિડ ટાવરની પાછળ સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડવામાં આવ્યા હતા.
દરોડા દરમિયાન પોલીસે વિદેશી 5646 દારૂની બોટલો જપ્ત કરી હતી. આ સાથે જ 180 લીટર દેશી દારૂનું મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. વિદેશી દારૂની કિંમત 9,49,476 રૂપિયા હોવાનું સામે આવ્યુ છે. જ્યારે 36 હજારનો દેશી દારૂ હતો. પોલીસે કુલ 9.85 લાખનો દેશી અને વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં પોલીસે નવ વાહન ,15 મોબાઈલ, બે પેટીએમ સ્કેનર સહિત કુલ 13,10,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારૂનો ધંધો સંભાળનાર સુધાકર ઉર્ફે પીન્ટુ અને દારૂ વેચનાર સુજીત યાદવ સહિત કુલ 14ની ધરપકડ કરાઇ હતી. બુટલેગરને પગમાં ઇજા થઇ હોવાથી ચાલી પણ શકતો ન હોવા છતાં પણ ચાલવાની ઘોડી લઈને અડ્ડા પર આવ્યો હતો.
Reporter: admin