News Portal...

Breaking News :

શાસક પક્ષનાં કોર્પોરેટરે જ પાલિકાની ફરી પોલ ખોલી : ત્રિપૂંડધારી આશિષ જોશી ઉવાચ: કોર્પોરેશન જ વિશ્વામિત્રીને પ્રદૂષિત કરી રહી છે

2025-04-22 09:31:41
શાસક પક્ષનાં કોર્પોરેટરે જ પાલિકાની ફરી પોલ ખોલી : ત્રિપૂંડધારી આશિષ જોશી ઉવાચ: કોર્પોરેશન જ વિશ્વામિત્રીને પ્રદૂષિત કરી રહી છે


એક તરફ વડોદરા મહાનગરપાલિકા વિશ્વામિત્રી પ્રોજેક્ટના નામે કરોડોનું આંધણ કરી રહી છે, તો બીજી તરફ વિશ્વામિત્રી નદીમાં ભયંકર રીતે પ્રદૂષણ ફેલાવાઇ રહ્યું છે. ખાનગી કંપનીઓ અને લોકો તો પ્રદૂષણ ફેલાવે જ છે પણ ખુદ કોર્પોરેશન જ વિશ્વામિત્રીને પ્રદૂષિત કરી રહી છે અને તેનો ભાંડો ખુદ શાસક પક્ષના ભાજપના કોર્પોરેટરે જ ફોડ્યો છે.



ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ વીડિયો જાહેર કરીને કોર્પોરેશન તંત્રને ઉઘાડુ પાડ્યું છે. બેશરમ કોર્પોરેશન તંત્રએ વિશ્વામિત્રીને અપવિત્ર કરી દીધી છે. ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ વીડિયો જાહેર કરીને જણાવ્યું છે કે અટલાદરા સુએઝ પપિંગ સ્ટેશનમાંથી અનટ્રીટેડ પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેમણે કોર્પોરેશનના વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે અટલાદરા સુએઝ પપિંગ સ્ટેશનમાંથી રોજનું 50થી 60 એમએલડી ગંદુ અને અનટ્રીટેડ પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવી રહ્યું છે. લોકોને વિશ્વામિત્રીને સ્વચ્છ રાખવાની સુફિયાણી સલાહ આપતું કોર્પોરેશન તંત્ર બિન્ધાસ્ત પોતે જ વિશ્વામિત્રીને અપવિત્ર કરી રહ્યું છે. કોર્પોરેશન તંત્રને વિશ્વામિત્રીની માટી ઉલેચવામાં જ રસ છે. તેની પવિત્રતાની કંઇ જ પડી નથી. આ રીતે ગંદુ પાણી વિશ્વામિત્રીમાં છોડાતા મગર સહિતના જળચરોને પણ ગંભીર નુકશાન થઇ શકે છે. તંત્રની ઘોર બેદરકારી છતી થઇ છે. આશિષ જોશીએ તાત્કાલિક અસરથી આ ગંદુ પાણી બંધ કરવા કોર્પોરેશનમાં માંગ કરી છે. 



ઉલ્લેખનિય છે કે આ કોર્પોરેટર આશિષ જોશી એ જ છે કે જેમણે પોતાના વિસ્તારના મહાનાળાની સફાઇ બાબતે કોર્પોરેશનની સામાન્ય સભામાં જ તત્કાલિન મ્યુનિ.કમિશનર દિલીપ રાણા સામે સામી છાતીએ શિંગડા ભેરવ્યા હતા. તેમણે સામાન્ય સભામાં કમિશનરનો ઉધડો લઇ લીધો હતો. આશિષ જોશી હરણી બોટકાંડમાં પણ પીડિતોના પક્ષે રહીને તેમને ન્યાય મળે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે અને તેઓ બોલકા હોવાના કારણે તાજેતરમાં જ તેમને શહેર ભાજપ તરફથી શો કોઝ નોટિસ પણ મળી હતી. હવે તેમણે કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓને નિશાને લીધા છે અને તેમની ઘોર બેદરકારી છતી કરી છે જેથી શહેર ભાજપમાં પણ ખળભળાટ મચી ગયો છે. સંગઠન સામી છાતીએ પ્રજા માટે લડનારા કેટલા કાર્યકરોનો અવાજ બંધ કરશે?

અધિકારીઓને ના ખબર હોય તે બને જ નહી....
એક બાજુ કોર્પોરેશન વિશ્વામિત્રીની સાફસફાઇ કરે છે અને શુદ્ધિકરણના દાવા કરે છે અને બીજી તરફ વિશ્વામિત્રીમાં અનટ્રીટેડ ગંદુ પાણી છોડાઇ રહ્યું છે, જે ગંભીર બાબત છે . વિશ્વામિત્રીમાં દિલ્હીની યમુના જેવું ફીણવાળું પાણી છોડાઇ રહ્યું છે. જે જીપીસીબી , એનજીટી અને સીપીસીબીના નિયમનું ઉલ્લંઘન છે. ગંદુ પાણી છોડવાનું 3 વર્ષથી ચાલે છે, જેથી જળચર પ્રાણીઓને પણ ભારી નુકશાન થયું છે. ઘણા મગરોના પણ મોત થયા છે.સ્માર્ટ અધિકારીઓને ના ખબર હોય તે બને જ નહી. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ શું કરી રહ્યા છે ?
આશિષ જોશી, કોર્પોરેટર

Reporter: admin

Related Post