વડોદરાઃ સોલર પેનલોની કાર્યક્ષમતા વધારવા માટે અમારી ટીમ દ્વારા થઈ રહેલું સંશોધન આખરી તબક્કામાં છે.
આ સંશોધનના કારણે સોલર પેનલોની ક્ષમતામાં ૩૭ ટકાનો વધારો થશે તેમ રાષ્ટ્રસંત તુકાદોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીના પ્રોફેસર સંજય ધોબલેએ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં યોજાયેલા પોતાના વક્તવ્યમાં કહ્યું હતું.પ્રો.ધોબલે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર થતી વિશ્વના ટોચના ૨ ટકા વૈજ્ઞાાનિકોની યાદીમાં છે.તેમના અને તેમના વિદ્યાર્થીઓના નામ પર ૫૮ પેટન્ટ છે. પ્રો.ધોબલેના ૧૦૦૦ જેટલા રિસર્ચ પેપર પ્રકાશિત થઈ ચૂકયા છે.તેઓ વર્ષોથી લ્યુમિનિસન્સ એટલે કે પ્રકાશના ક્ષેત્રમાં સંશોધન કરે છે.તેમને દુનિયાની પ્રતિષ્ઠિત નેચર જર્નલના એડિટોરિયલ બોર્ડમાં પણ સ્થાન મળેલું છે.
એપ્લાઈડ ફિઝિક્સ વિભાગમાં આજે તેમનું વક્તવ્ય યોજાયું હતું.એક વાતચીતમાં પ્રો.ધોબલેએ કહ્યું હતું કે, અત્યારે સોલર પેનલોનું ચલણ વધ્યું છે ત્યારે તેની ક્ષમતા વધારવાનું પણ નજીકના ભવિષ્યમાં શક્ય બનશે.અમારી ટીમે નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાઉડર સ્વરુપમાં એક મટિરિયલ તૈયાર કર્યું છે.જેનું કોટિંગ સોલર પેનલો પર કરવાથી પેનલોની વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતામાં ૩૭ ટકા સુધીનો વધારો થશે.એટલું જ નહીંં સોલર પેનલોના આયુષ્યમાં પણ પાંચ વર્ષનો વધારો થશે.અત્યારે અમે વરસાદના પાણીમાં અને ૪૫ ડિગ્રી કે તેથી ઉપરની ગરમીમાં પેનલો પરના કોટિંગને શું અસર થાય છે તેના પ્રયોગો કરી રહ્યા છે.તેનું બહું જલ્દી વ્યાપારિક ઉત્પાદન પણ શરુ થવાની અપેક્ષા છે.પ્રો.ઢોબલેનું કહેવું છે, ભારતમાં સંશોધન ક્ષેત્રમાં દેશને આગળ લઈ જવાની ક્ષમતા વિદ્યાર્થીઓમાં છે.તેમને માત્ર યોગ્ય માર્ગદર્શનની અને નાણાકીય સહાયની જરૂર છે.
Reporter: admin







