ભરૂચ: જિલ્લાના ઝઘડિયાના ઉમલ્લા અને ખાખરીપુરા ગામ વચ્ચે ફરજ પર હાજર ટીઆરબીના જવાનનું અજાણ્યા વાહનની અડફેટે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ મામલે સાંસદ મનસુખ વસાવાએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી રોષ વ્યક્ત કર્યો છે.
ભરૂચના ઉમલ્લા પોલીસ મથકમાં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા સુમિત વસાવા ગતરોજ રાત્રિના સમયે ઉમલ્લા ખાખરીપુરા ગામ વચ્ચે પોલીસ પોઈન્ટ પર ફરજ પર હાજર હતા. દરમિયાન પૂરઝડપે જતા અજાણ્યા વાહનચાલકે તેને અડફેટમાં લીધા હતા. જેમાં ગંભીર ઇજાના પગલે સુમિત વસાવાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

આ તરફ અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંઘી તપાસ હાથ ધરી છે.
સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રોષ વ્યક્ત કર્યો છે. મનસુખ વસાવાએ પોસ્ટમાં લખ્યું છે કે, રેતી માફિયા અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યાના ગણતરીના સમયમાં જ આ અકસ્માત સર્જાયો છે. જે ખૂબ જ દુઃખદ છે. રેતી માફિયાઓના બેફામ રીતે ડમ્પર હંકારવાના કારણે આ પ્રકારના અકસ્માતો સર્જાય છે ત્યારે રેતી માફિયાઓના પાપનો ભોગ સામાન્ય માણસ ન બને એ માટે અવાજ ઉઠાવવો જરૂરી છે.
આ મામલામાં પોલીસ વિભાગને મૃતકના પરિવારજનોને સહાય કરવાની પણ તેઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.
Reporter: admin