વડોદરા : વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ દ્વારા આન-બાન-શાન સાથે પ્રસ્થાન કરાવાયેલી ભગવાન પરશુરામજીના જન્મોત્સવની શોભાયાત્રા નીકળી હતી.

સૂર્યનગર ગરબા મેદાનથી સૂર્યાસ્ત બાદ પ્રસ્થાન કરાવાયેલી ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની શોભાયાત્રા મોડીરાતે સુખરૂપે સંપન્ન થઇ હતી. ભવ્યાતિભવ્ય શોભાયાત્રામાં અનેક ફ્લોટે દેશદાઝના દર્શન કરાવ્યા હતા. યાત્રામાં છાવા(સિંહ)નું લાઈવ ડેમોસ્ટ્રેશન વિશેષ છવાયું હતું.સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ દ્વારા શહેરના વાઘોડિયારોડ સૂર્યનગર ગરબા મેદાનથી સૂર્યાસ્ત બાદ આન-બાન-શાન સાથે પ્રસ્થાન કરાવાયેલી ભગવાન પરશુરામજીના જન્મોત્સવની શોભાયાત્રામાં દેશભક્તિના ગીતોએ દેશદાઝના અનોખા દર્શન કરાવ્યા હતા.

શાંતિ સમિતિ અને મુસ્લિમ સંગઠનોએ શોભાયાત્રાનું ૯ સ્થળે ભાવભિનું સ્વાગત કરી કોમી એકતાનો સંદેશ આપ્યો હતો. કેસરી ધજા સાથે માથે કેસરી સાફા બાંધી હજારો ભાઈઓ-બહેનો ટુ-વ્હિલર સાથે જોડાયા હતા. શોભાયાત્રાના ફ્લોટમાં પહલગામના આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ પર્યટકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા નગરજનોએ કાળી પટ્ટી ધારણ કરી હતી. તદુપરાંત વન નેશન-વન ઈલેક્શનનો સ્પષ્ટ સંદેશ આપતા ફ્લોટે પણ નગરજનોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. શોભાયાત્રાના રૂટ પર આકાશી આતશબાજી, ફટાકડાના ધૂમધડાકા, ડી.જે.ના દોર વચ્ચે યુવાનોએ નૃત્ય કરી આકર્ષણ જમાવ્યું હતું. ખાસ કરીને છાવા(સિંહ) સંભાજીરાવ મહારાજને જંજીરોમાં બાંધેલા લાઈવ ડેમોસ્ટ્રેશનનો ફ્લોટ છવાયો હતો.






Reporter: admin







