સામાજિક તાણાવાણા ધરાવતા કિસ્સામાં માતા અને પિતા બન્ને તેમના સ્ત્રી-પુરુષ મિત્રો સાથે અને બાળકો દાદા સાથે રહેતા હતા
દાદા અને ફોઇના માનસિક ત્રાસની કંટાળેલા ભાઇબહેન સવારે ઘર છોડી નાસી ગયા અને માતા પાસે પહોંચી ગયા
વડોદરાના સિટી પોલીસ સ્ટેશનમાં વૃદ્ધ દેખાતી એક વ્યક્તિ આવી ચઢી. પોલીસ સ્ટેશન ઓફિસર પાસે જઇને તેમણે હિન્દી મિશ્રિત ગુજરાતીમાં કહ્યું કે સાહેબ મારા પૌત્ર-પૌત્રીને કોઇ ઉઠાવીને લઇ ગયું છે. તેમની આવી રાવ સાંભળી ચાર્જમાં રહેલા પીએસઓ ચોંકી ઉઠ્યા હતા ને શરૂ થઇ પાણીગેટ રોડથી ચંબલ સુધીની કહાની ! પીએસઓએ આ વૃદ્ધની શાંતિની સાંભળી. તેમણે શહેર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓને એવું કહ્યું કે, સાહેબ મારા પુત્રનો એક દીકરો અને એક દીકરી કોઇને કહ્યા વિના ઘરેથી જતા રહ્યા છે અથવા કોઇ અપહરણ કરીને લઇ ગયું છે. આ વૃદ્ધની પૌત્રીએ ૧૬ વર્ષ પૂર્ણ કર્યા હતા અને પૌત્ર કિશોરાવસ્થાના ઉંબરે પહોંચ્યો હતો. પોલીસ અધિકારીઓ તેમના અનુભવના આધારે એટલું જાણી ગયા કે આ મામલો અપહરણનો નથી, પણ કુટુમ્બ કલેશનો છે. પણ, બે બાળકો ગુમ થવાની ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરવા માટે શહેર પોલીસના ડીસીપી સુશ્રી પન્ના મોમાયાએ શહેર પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના આપી.પોલીસની પ્રાથમિક પૂછતાછમાં એવું જાણવા મળ્યું કે, બન્ને બાળકોના માતાપિતાએ અલગ અલગ રહેતા હતા. બાળકોના પિતા કોઇ મહેનત કરીને કશું કમાતા ન હોવાથી અને વ્યસની હોવાથી માતાને ત્રાસ આપતા હતા. એનાથી કંટાળીને તે પાણીપૂરી વેંચવાની વ્યવસાય કરતા એક પુરુષ સાથે નાસી ગઇ હતી.
બાળકોના પિતા પણ કોઇ અન્ય સ્ત્રી સાથે તેમના વતન ઉત્તરપ્રદેશમાં રહેતા હતા. માતા-પિતા એમ બન્નેએ છોડી દેતા બાળકો તેમના દાદા સાથે વડોદરા શહેરમાં રહેતા હતા. પોલીસે ઘરની આસપાસના સીસીટીવીના આધારે શોધખોળ આદરી તો અધિકારીઓના અનુભવને સમર્થન મળ્યું, બન્ને ભાઇબહેન પોતાની રીતે સવારના નવેક વાગ્યે ઘર છોડીને જતાં સીસીટીવીમાં જતા જોવા મળ્યા. એટલે આ સમયગાળા દરમિયાનના એસટી બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશનના સીસીટીવીની તપાસ કરવામાં આવી. પણ તેમાં બન્ને બાળકો ક્યાંક જોવા મળ્યા નથી. મુસાફરો પરિવહન કરે એવા અન્ય સ્થળોની આસપાસ પણ તપાસ કરવામાં આવી પણ તેમાં સફળતા મળી નહી. પોલીસ તંત્રએ તેમના સર્વેલન્સ અને બાતમીદારોના આધારે એવું શોધી કાઢ્યું કે, બાળકોની માતા જેમની સાથે રહેવા માટે ચાલી ગઇ હતી, તે પુરુષનો એક ભાઇ ગાંધીનગરમાં પાણીપૂરી વેંચવાનો વ્યવસાય કરે છે. એટલે પોલીસે તેમની પાસેથી વિગતો મેળવી. ગુમ થયેલા બન્ને બાળકોની માતા ક્યાં હોઇ શકે એની જાણકારી મેળવી. આ મહિલા અને તેમના પુરુષ મિત્ર સાથે એમપી અને યુપીના સરહદી વિસ્તારમાં ચંબલ નજીક એક ગામમાં રહેતા હોવાની ખાતરી થતાં સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી. કે. સોજીત્રા અને ટીમ ત્યાં પહોંચી ગઇ. જે ઘરમાં રહેતા હતા ત્યાં ગયા તો ત્યાં કોઇ નહોતું. ઘરનું નિરીક્ષણ કરતા એવું ધ્યાને આવ્યું કે, ત્યાં તાજુ જ સમારેલું શાકભાજી હતું. એનો મતલબ કે કોઇ ઘર છોડીને નાસી ગયું છે. પાણીગેટ રોડથી છેક ચંબલ સુધીની ૪૦ કલાકના નિંદર વિનાના પ્રવાસ બાદ પહોંચેલી પોલીસ ટીમે ચંબલના જંગલ – બિહડમાં જઇને પણ તપાસ કરવાનો નિર્ણય કર્યો. ગ્રામજનો મારફત બાળકોની માતા અને પુરુષને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ બાદ મહિલા પોતાના બન્ને બાળકોને લઇ પોલીસ ટીમ સમક્ષ આવી. પોલીસને હાંશકારો થયો કે બન્ને બાળકો સલામત હતા. વડોદરાથી ચંબલ સુધીના તપાસનું પરિણામ મળ્યું. પોલીસે બન્ને બાળકોની પૂછપરછ કરી તો ચોંકાવનારી વિગતો એ મળી કે, દાદા અને ફઇ બન્ને ભાઇબહેન માનસિક ત્રાસ આપતા હતા. એટલે ઘરમાંથી કશું લીધા વિના નાસી ગયા હતા. વડોદરાથી ગોલ્ડન ચોકડી, ત્યાંથી ગોધરા ગયા હતા. ત્યાંથી ટ્રેનમાં બેસી વતન યુપીમાં ગયા હતા. પૈસા અને પ્રવાસખર્ચની વ્યવસ્થા બાળકોની માતાએ જ કરી હતી. બાળકોની માતાએ એવી કથની કહી કે, તેમને આ વ્યક્તિ સાથે રહેવું હતું. તેમના પતિ કશું કમાતા નહોતા અને વ્યસની હોવાથી ત્રાસ આપતા હતા. ત્યારે આ પુરુષમિત્રએ મદદ કરી હતી. પહેલા હું અને પછી બાળકોને સાથે લઇ આવીશ એવું નક્કી કર્યું હતું. સામાજિક તાણાવાણા ધરાવતા આ કિસ્સામાં પોલીસને બન્ને બાળકો સલામત અને તેમની ઇચ્છાનુસાર માતા સાથે હોવાનો હાંશકારો હતો.
Reporter: admin







