દિલ્હી : એર ઈન્ડિયાના વિમાનમાં ફરી એકવાર ગંભીર ટેક્નિકલ ખામી સર્જાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
સોમવારે સવારે દિલ્હીના IGI એરપોર્ટ પરથી મુંબઈ માટે ઉડાન ભર્યાના થોડા સમય બાદ જ વિમાનનું એક એન્જિન હવામાં બંધ પડી ગયું હતું, જેના પગલે વિમાનનું દિલ્હીમાં જ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. સદનસીબે, વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું અને તમામ મુસાફરો સુરક્ષિત છે.આ ઘટના એર ઈન્ડિયાની ફ્લાઇટ AI 887 સાથે બની હતી, જેણે આજે સવારે 6:40 વાગ્યે દિલ્હીથી મુંબઈ માટે ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાના થોડીવારમાં જ પાઇલટને વિમાનમાં ખામી હોવાનું જણાયું હતું. સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે વિમાનનું જમણું એન્જિન હવામાં જ બંધ થઈ ગયું હતું.
આ ગંભીર પરિસ્થિતિને પગલે, દિલ્હી એરપોર્ટ પર તાત્કાલિક 'ફુલ ઇમરજન્સી' જાહેર કરવામાં આવી હતી અને પ્રોટોકોલ મુજબ તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.એર ઈન્ડિયાના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું કે, "ફ્લાઇટ AI887માં ટેકનિકલ સમસ્યાને કારણે SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) મુજબ તેને દિલ્હી પરત લાવવામાં આવી હતી. વિમાને દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ કર્યું અને તમામ મુસાફરો અને ક્રૂને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા છે."તાજેતરના સમયમાં એર ઈન્ડિયાના વિમાનોમાં તકનીકી ખામીની આ કોઈ પહેલી ઘટના નથી. ઉલ્લેખનીય છે કે, આ જ વર્ષે અમદાવાદમાં લંડન માટે ઉડાન ભરતા જ એક વિમાન ક્રેશ થયું હતું, જેમાં વિમાનમાં સવાર એક મુસાફરને બાદ કરતાં અન્ય તમામ લગભગ 250 લોકોના કરૂણ મોત થયા હતા.
Reporter: admin







