વડોદરા : ઉદલપુર પાસે આવેલી એક ક્વોરીમાં ડમ્પર રિવર્સમાં લેતા ક્વોરીના માલિકનું જ સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ડેસર તાલુકાના ઉદલપુર ગામની સીમમાં આવેલી એકતા મેટલ ક્વોરીમાં એક ડમ્પર ચાલક પોતાનું વાહન લઇને કપચીનું વજન કરાવતો હતો. દરમિયાન તેના વાહનમાં લોડ કરેલી કપચી ઓછી હોવાનું ધ્યાને આવતા તેણે વધુ કપચી ભરવા માટે પોતાનું ડમ્પર વજનકાંટા પરથી રિવર્સમાં લીધું હતું.
રિવર્સ લેતા ડમ્પરની પાછળથી પસાર થતા યામીન અબ્દુલરહીમ ધંત્યા (ઉં. 59) (રહે. ગોધરા, શેખ મજાવર રોડ, ઇકબાલ ગર્લ્સ સ્કુલની પાછળ, ગોધરા)ને અડફેટે લીધા બાદ તેઓના પર ડમ્પર ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો દોડી આવ્યા હતા. અકસ્માત સર્જનાર ડમ્પરનો ચાલક સ્થળ પર જ પોતાનું વાહન મુકીને નાસી છુટ્યો હતો. મૃતકના પરિજનો અને પોલીસને જાણ કરવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા હતા. બનાવ અંગે ખાલીદ એહમદ કંજરીયા (રહે. ગોધરા) એ અકસ્માત સર્જનાર ડમ્પરના નંબરના આધારે અજાણ્યા ચાલક સામે ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
Reporter: admin