આજ આશિષ જોષી હરણી બોટ દુર્ઘટનામાં ભોગ બનેલ બાળકોના વાલીઓની પડખે ઊભા છે....
કોર્પોરેશનની સામાન્ય સભામાં પ્રજાને પડતી તકલીફોની વાચા આપનારા કોર્પોરેટર આશિષ જોશીને આખરે પોતાના જ ભાજપ પક્ષ તરફથી ગેરશિસ્તની શો કોઝની નોટિસ મળી છે. પ્રજા માટે લડનારા અને હંમેશા અવાજ ઉઠાવનારા કોર્પોરેટર આશિષ જોશીની વાત અને રજૂઆતને ખુદ તેમનો જ પક્ષ સમજી શક્યો નથી. આશિષ જોશીએ સામાન્ય સભામાં ઉંચા અવાજે કમિશનર સમક્ષ કરેલી રજૂઆતોને જો ગેરશિસ્ત ગણવામાં આવે તો પ્રજાના પ્રતિનીધી તરીકે કોઇ કોર્પોરેટર અધિકારીઓ સમક્ષ પોતાની રજૂઆતો કઇ રીતે મુકી શકશે તેવો સવાલ હવે શહેરીજનોમાં થઇ રહ્યો છે.

બે દિવસ પહેલા વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મહા નાળાની સફાઈ બાબતે કોર્પોરેટર આશિષ જોશી અને મનપા કમિશનર દિલીપ રાણા વચ્ચે તુંતું- મેંમેં થઈ થતા ભાજપના પદાધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ ઘટના બાદ આશિષ જોશીને ગેરશિસ્ત બદલ વડોદરા શહેર ભાજપ દ્વારા શો કોઝ નોટિસ આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, વારંવાર થતી ગેરશિસ્તના કારણે શૉકોઝ નોટિસ આપવામાં આવી છે અને ત્રણ દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. વોર્ડ નંબર 15ના સભ્ય આશિષ જોષીને અવારનવાર શિસ્ત ભંગ થતી હોવાની સૂચના આપી શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારે આજ આશિષ જોષી હરણી બોટ દુર્ઘટનામાં ભોગ બનેલ બાળકોના વાલીઓની પડખે ઊભા છે. તેઓ આજે પણ જાહેર સભામાં પોતાના વિસ્તારમાં વિકાસના કામોને લઈ અવાર નવાર અવાજ ઉઠાવતા રહ્યા છે. ત્યારે સોમવારે તેઓના વિસ્તારમાં કામગીરીને લઈ કમિશનર સાથે જાહેર સભામાં ઉગ્ર બોલાચાલી થઈ હતી . કાઉન્સિલર આશિષ જોષી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વચ્ચે સોમવારે સભા ગૃહમાં થયેલા વાકયુધ્ધ શાંત પાડવા ભાજપાના કાઉન્સિલરો અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના કાઉન્સિલરોએ દરમિયાનગીરી કરી હતી. પરંતુ, મામલો શાંત ન પડતાં સભા અધ્યક્ષ મેયર પિન્કી સોનીએ સભા મુલતવી કરવાની જાહેરાત કરી દેવાની ફરજ પડી હતી. કોર્પોરેટર આશિષ જોશી તો ઉંચા અવાજે જ હંમેશા વાત કરતા આવ્યા છે અને અધિકારીઓના દબાણ હેઠળ જો ભાજપ દ્વારા તેને ગેરશિસ્ત ગણાવીને નોટિસ પકડાવાય તો કોર્પોરેટરો પોતાની રજૂઆત કઇ રીતે કરે તે પણ ભાજપના પદાધીકારીઓએ કોર્પોરેટરોને સમજાવવું જોઇએ.
મેં 4 વર્ષમાં પક્ષ વિરુદ્ધ કોઇ કાર્ય કર્યું નથી...
મને નોટિસ અપાઇ છે તો હું પાર્ટીને જવાબ આપીશ. મે પાર્ટી વિરુદ્ધ કોઇ કામ કર્યું નથી. મે તો પ્રજાના પ્રશ્નોને વાચા આપી છે. અધિકારીઓએ ખોટુ કર્યું છે તે હું પક્ષને જણાવીશ. પછી પક્ષને યોગ્ય લાગે તે પગલાં લઇ શકે છે પણ મે 4 વર્ષમાં પાર્ટી વિરુદ્ધ કોઇ જ કાર્ય કર્યું નથી તે પણ હું પક્ષને જણાવીશ
આશિષ જોષી, કોર્પોરેટર
અધિકારીઓ સામુહિક રીતે નિર્ણય લેશે...
આ બાબતે કમિશનર સાહેબ જોડે પરામર્શ કરીશું અને આવતીકાલે અધિકારીઓ જે સૂર રજુ કરશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અમને જણાવાયું છે કે સભાસદને પક્ષ લેવલે કાર્યવાહી કરાઇ છે. તેથી હવે કમિશનર અને મેયર સાથે પરામર્શ કરીને આગળનો નિર્ણય કરાશે. આ મામલે સામુહિક રીતે અધિકારીઓ જે નક્કી કરશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરાશે. આ કોઇ વ્યક્તિગત બાબત નથી. અધિકારીઓ પ્રજાના કામ માટે જ છે પણ જે કમિશનરનું અપમાન થયું છે તે વિશે મેયરને રજૂઆત કરેલી છે.
કેતન જોશી, ડે.કમિશનર
Reporter: admin







