અમદાવાદ : નિવૃત્ત થતાં કર્મચારીના પ્રોવિડન્ટ ફંડનું ખાતું પહેલી ઓક્ટોબરથી ૨૦૧૭થી કે તે પહેલાથી આધાર કાર્ડ સાથે લિન્ક થયેલું હશે તો તે ઓનલાઈન પ્રોસેસ કરીને તેના પ્રોવિડન્ટ ફંડના નાણાં તેની બેન્કના ખાતામાં જમા મેળવી શકશે.
ઇપીએફ ખાતાનું ઇ-કેવાયસી કરાવીને માલિકની દરમિયાનગીરીની વગર ફક્ત આધાર ઓટીપી વડે તેમનું ઇપીએફ ભંડોળ ઓનલાઇન ટ્રાન્સફર કરી શકે છે. નિવૃત્ત થતાં કર્મચારીઓ જૂની કંપનીના કે નવી કંપનીના માલિક પાસેથી તેને માટે મંજૂરી મેળવવાની જરૂર રહેશે નહિ. હા તેના આધારકાર્ડમાં અને કંપનીમાં રજિસ્ટર થયેલા નામ, જન્મતારીખ કે પછી જાતિ(સ્ત્રી કે પુરુષ)માં કોઈ ફેરફાર નહિ દેખાય તો તેમની ઓનલાઈન અરજીને પ્રોવિડન્ટ ફંડ કચેરી માન્ય કરી દેશે. પ્રોવિડન્ટ ફંડની રકમ ઉપાડવાની અરજી કર્યા પછી સાત જ દિવસમાં તેને માટેની માન્યતા મળી જશે.
આ વ્યવસ્થા અમલમાં આવતા નિવૃત્ત થતાં કર્મચારીઓ પોતાની જૂની કે નવી કંપનીના એકાઉન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને કે પછી કંપનીના માલિકોને વિનંતી કરતાં ફરવું પડશે નહિ. તેમની મંજૂરી લેવાની વ્યવસ્થા જ આ સાથે નીકળી જશે. પ્રોવિડન્ટ ફંડ કચેરીએ ૧૫મી અને ૧૬મી જાન્યુઆરીએ કરેલા બે પરિપત્રને કારણે આ શક્ય બન્યું છે. તેથી જ પ્રોવિડન્ટ ફંડના નાણાં છૂટા કરાવવા માટે કંપનીના એકાઉન્ટ ડિપાર્ટમેન્ટને પ્રોસેસ કરાવીને કંપનીના માલિકની સહી મેળવવાની જફા કરવી પડશે નહિ. તેમ જ પ્રોવિડન્ટ ફંડના અધિકારીઓ પાસે આંટાફેરા કરવાની ફરજ પડશે નહિ. આમ બે પરિપત્ર કરીને પ્રોવિડન્ટ ફંડના નાણાં મેળવી લેવાની સમગ્ર પ્રક્રિયાને આ સાથે જ સરળ બનાવી દેવામાં આવી છે.
Reporter: admin