અમદાવાદ : 12 જૂનના રોજ લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભર્યાના તુરંત બાદ હોસ્ટેલ પર ક્રેશ થઈ ગઈ હતી.
અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોની સત્તાવાર યાદી સામે આવી ચૂકી છે. રાજ્ય આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતકોમાં 120 પુરૂષ, 124 મહિલાઓ અને 16 બાળકો સામેલ છે. હોસ્પિટલમાં DNA તપાસથી 259 મૃતકોની ઓળખ કરાઈ ચૂકી છે. જેમાંથી 256 મૃતદેહો પરિવારજનોને સોંપાયા છે. 3 બ્રિટિશ નાગરિકોના મૃતદેહ વિમાનથી મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે. સૂત્રો અનુસાર, એર ઈન્ડિયાના સીઈઓના મતે આ દુર્ઘટનામાં મૃતકોનો આંકડો 275 સુધી પહોંચ્યો છે. હોસ્પિટલમાં જે 259 મૃતકોની ઓળખ થઈ છે, જેમાં 199 ભારતીય, 7 પોર્ટુગલ, 52 બ્રિટિશ અને 1 કેનેડિયન નાગરિક સામેલ છે. જ્યારે બાકીના મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે.
DNA સેમ્પલ મેળવવાની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોય છે, જેમાં અનેક કાયદાકીય પાસા પણ સામેલ હોય છે. એટલા માટે આ કામગીરી ખૂબ જ ગંભીરતા, સચોટતા અને ઝડપથી કરવામાં આવે છે.અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના પ્લેનના બ્લેક બોક્સની ભારતમાં જ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઇબી) દ્વારા તપાસવામાં આવી રહી છે. આજે ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ આ અંગે માહિતી આપી હતી. આ સાથે જ નાયડુએ એવી અટકળોને ફગાવી દીધી હતી કે તેને તપાસ માટે વિદેશ મોકલવામાં આવ્યું છે. બ્લેક બોક્સ એક નાનું ઉપકરણ છે જે ઉડાન દરમિયાન વિમાન વિશેની માહિતી રેકોર્ડ કરે છે. અને ઉડ્ડયન અકસ્માતોની તપાસમાં મદદ કરે છે.
Reporter: admin