News Portal...

Breaking News :

18મી ઓગસ્ટ 1942ના દિવસે ભારતની આઝાદીની લડતમાં બલિદાન આપનાર વડોદરાના બે વીર શહીદોને આજે મહાનગરપાલિકા દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી

2025-08-18 14:09:08
18મી ઓગસ્ટ 1942ના દિવસે ભારતની આઝાદીની લડતમાં બલિદાન આપનાર વડોદરાના બે વીર શહીદોને આજે મહાનગરપાલિકા દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી


1942માં 18મી ઓગસ્ટે વડોદરાના બે ક્રાંતિવીર સોમાભાઈ પંચાલ અને ભગવાનદાસ રાણા શહીદ થયા હતા. આ બંને શહીદની સ્મૃતિમાં વડોદરાના રાવપુરા વિસ્તારમાં કોઠી પોળના નાકે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે. 


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આજે સવારે ફુલહાર અર્પણ કરીને બંને શહીદને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. 1942ની ઓગસ્ટ ક્રાંતિ વખતે વડોદરામાં પણ આઝાદીની લડાઈનો જુસ્સો જોવા મળ્યો હતો. 18મી ઓગસ્ટે સ્વ.ભાનુબેન આઝાદની આગેવાનીમાં મહિલાઓ અને પુરુષોનું એક સરઘસ રાવપુરા કોઠી પોળમાંથી નીકળવાની તૈયારી કરતું હતું ત્યારે તત્કાલીન પોલીસ કમિશનર એડવિનો પોતાના ઘોડા પર સવાર થઈને પોળ સામે આવીને ઊભા રહી ગયા હતા. તેમની સાથે બંદૂક ધારી પોલીસ પણ હતી. જો કે સરઘસ તેના નિયત સમયે નીકળ્યું કે તરત જ કમિશનરે લાઠી ચાર્જ શરૂ કરાવ્યો ત્યારે ભાનુબેનએ કમિશનર એડવિનો જે ઘોડા પર બેઠા હતા તે ઘોડાની લગામ ખેંચી લીધી હતી. જેથી કમિશનર છંછેડાયા હતા અને કોઈપણ જાતનો વિચાર કર્યા વગર સીધો ફાયરનો હુકમ કર્યો હતો. 


સરઘસમાં જોડાયેલા લોકોએ ક્રાંતિકારી મિજાજ બતાવી સામે પથ્થરમારો શરૂ કર્યો હતો. પરિણામે સ્થિતિ સ્ફોટક બની ગઈ હતી. રાવપુરા વિસ્તાર લડાયક મેદાનમાં ફેરવાઈ ગયો હતો. જોકે ફાયરિંગમાં સોમાભાઇ બેચરભાઈ પંચાલ અને ભગવાનદાસ ગોપાલદાસ રાણા નામના બે યુવાનો ગોળીઓનો ભોગ બનતા શહિદ થયા હતા. આ બનાવ બનતા લોકો પણ ઉશ્કેરાયા હતા, અને ઠેરઠેર બહાર નીકળી આવ્યા હતા. પરિસ્થિતિ તંગ બનતા તે દિવસે સાંજે પોલીસ કમિશનરે રાવપુરા વિસ્તારમાં કરફ્યુની જાહેરાત કરી હતી અને ચાર દિવસ સુધી કરફયુ ચાલુ રહ્યો હતો. રાવપુરાની પાંચ પોળનો આઝાદીની લડતમાં મોટો ફાળો રહ્યો છે. આ બંને શહીદને દર વર્ષે 18મી ઓગસ્ટે તેમના બલિદાન બદલ યાદ કરવામાં આવે છે અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જેમાં વડોદરાના મેયર પિન્કીબેન સોની સાથે સ્થાનિક નગરસેવકો અને પંચાલ સમાજના યુવાનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

Reporter: admin

Related Post