વડોદરા: વિશ્વામિત્રી નદીના દબાણો દુર થવા જોઇએ તેવી લોકમાંગ લાંબા સમયથી ચાલી રહી હતી. પરંતુ કોઇ કાર્યવાહી થતી ન હતી.
આખરે તાજેતરમાં વડોદરામાં આવેલા ઐતિહાસિક માનવસર્જિત પૂર બાદ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલુ તંત્ર જાગ્યું હતું. અને અગોરા મોલ સહિત 13 જેટલા એકમોને દબાણ અંગેની નોટીસ પાઠવવામાં આવી હતી. જે પૈકી કેટલાક એકમો દ્વારા તો સ્વૈચ્છીક રીતે દબાણો દુર કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત વિવાદીત અગોરા મોલની દિવાલ અને ક્લબ હાઉસ દુર કરવા માટે પાલિકાનું લશ્કર પહોંચ્યું છે. પોલીસ બંદોબસ્ત મળ્યા બાદ દબાણો દુર કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
આ દબાણો અંગે જવાબ રજુ કરવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. ત્રણ દિવસ પૂર્ણ થતા આજે પાલિકાનું લશ્કર દબાણો દુર કરવા માટે પહોંચ્યું છે. જેમાં જેસીબી, હાઇવા જેવા મશીનો છે, સાથે જ પાલિકાના અધિકારીઓ અને પોલીસ પણ સ્થળ પર હાજર છે. હાલ જાણવા મળતી માહિતી અનુસાર, પાલિકા દ્વારા વિવાદીત અગોરા મોલની દિવાલ અને ક્લબ હાઉસનું દબાણ દુર કરવા માટે પાલિકાનું લશ્કર પહોંચ્યું છે. અગોરા મોલના સંચાલકો દ્વારા ગેટ પર બાઉન્સર બેસાડી રાખવામાં આવ્યા છે. આ સાથે નિઝામપુરામાં પણ કાંસ પરના દબાણો દુર કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.
Reporter: admin