વડોદરા શહેરને નેશનલ હાઇવે સાથે જોડતા પોર અને જાંબુઆ પાસેના બ્રિજ પહોળા કરવા શહેરના સાંસદ ડો. હેમાંગ જોષીએ આજે કેન્દ્રીય માર્ગ અને વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને મળી રજૂઆત કરી હતી.
સાંસદની રજૂઆતને પગલે કેન્દ્રીય મંત્રીએ હાઈવે ઓથોરિટીના રાજ્યસ્તરના અધિકારીઓને બોલાવી તાકીદે કામગીરીની શરૂઆત કરવા આદેશ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીના હકારાત્મક પ્રતિસાદને પગલે હવે આ બંને સાંકડા બ્રિજ સત્વરે પહોળા થવાનો આશાવાદ જન્મ્યો છે.શહેર પાસેના નેશનલ હાઇવે પરના પોર અને જાંબુઆ ખાતેના બે બ્રિજ હાલ ખૂબ જ સાંકડા છે. બંને બ્રિજ સાંકડા હોવાને કારણે નેશનલ હાઇવે પર સતત દોડતા નાના-મોટા વાહનોના ચાલકોને ભારે હાલાકી વેઠવાની નોબત વર્ષોથી થતી આવી છે. એટલું જ નહીં રાઉન્ડ ધ ક્લોક વાહનોની અવરજવરને પગલે આ સ્થળ પર સતત ટ્રાફિક જામ થઈ જવાની કાયમી સમસ્યા છે. ઉપરાંત પુરપાટ દોડતા વાહનોના ચાલકો બંને બ્રિજ સાંકડા હોવાને કારણે ગફલતમાં આવી જતા સંખ્યાબંધ વાર આ સ્થળે જાનલેવા અકસ્માતોના બનાવો નોંધયા છે. જેના પગલે આ બંને બ્રિજ સત્વરે પહોળા કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. શહેરના લોકપ્રિય યુવા સાંસદ ડો. હેમાંગ જોષીએ આજે કેન્દ્રીય માર્ગ વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને પ્રત્યક્ષ મળી આ સમસ્યા સત્વરે નિવારવા ગંભીરતાપૂર્વક રજૂઆત કરી હતી. સાંસદની રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ આપતા કેન્દ્રીય મંત્રીએ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ગુજરાત રાજ્યના તમામ અધિકારીઓને તાકીદે તેડાવી તેમને આ બંને બ્રિજ પહોળા કરવાની કામગીરી વહેલામાં વહેલી તકે શરૂ કરવા આદેશ કર્યો હતો.
આ તબક્કે કેન્દ્રીય મંત્રીએ એકવાર પોતે પ્રત્યક્ષ ઉપસ્થિત રહી આ કામગીરીનું નિરીક્ષણ કરશે તેમ ઉમેર્યું હતું. મંત્રીના હકારાત્મક પ્રતિસાદને પગલે સાંસદે આભારની લાગણી વ્યક્ત કરી હતી.પોર અને જાંબુઆ આસપાસના ઉદ્યોગોએ પણ સાંસદને રજૂઆત કરી હતી. તાજેતરમાં પોર તથા જાંબુઆની આસપાસના નાના-મોટા ઉદ્યોગ ગૃહોના સંચાલકો તેમજ ઉદ્યોગ મંડળોએ શહેરના સાંસદ ડો. હેમાંગ જોષીને આ બંને બ્રિજ પહોળા કરવાની તાતી જરૂરિયાત હોવાને મુદ્દે રજૂઆત કરી હતી. ઉદ્યોગોના પ્રતિનિધિઓએ બ્રિજ સાંકડા હોવાને કારણે તેમને પડતી હાલાકી બાબતે પણ સાંસદને વાકેફ કર્યા હતા. આજે અંતે આ કામગીરી આગળ ધપાવવાનો આશાવાદ જન્મતા તેમણે રાહત અને આનંદની લાગણી અનુભવી હતી. બે વર્ષ પહેલા તત્કાલીન સાંસદે પણ કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના વિકાસ સાથે સંકળાયેલા આ બ્રિજના મુદ્દે તત્કાલીન સાંસદે પણ કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી હતી. તે વેળા કેન્દ્રીય મંત્રીએ આ સંદર્ભે સત્વરે ઘટતું કરવા અંગે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. આખરે આજે સાંસદ ડો. હેમાંગ જોષીએ પણ રજૂઆત કરતા હવે આ બંને બ્રિજ પહોળા કરવાની કામગીરી સત્વરે આગળ ધપાવાશે.આ જગ્યા બ્લેક સ્પોટ તરીકે પ્રચલિત બની હતી મુંબઈ દિલ્હીને જોડતા તથા મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે પર નાના મોટા વ્યાપારિક વાહનો તેમજ અન્ય ખાનગી વાહનો, કાર વગેરેનો રાઉન્ડ ધ ક્લોક સતત ધમધમાટ વર્તાય છે. વળી આ જગ્યા પાસેનો માર્ગ સાંકડો હોવા ઉપરાંત અત્યંત જોખમી વળાંકવાળો હોવાને કારણે વિતેલા વર્ષો દરમિયાન સંખ્યાબંધ વાર પ્રાણઘાતક અકસ્માતોના બનાવો નોંધાયા છે. જેના કારણે વાહન ચાલકોમાં આ સ્થળ બ્લેક સ્પોટ તરીકે પ્રચલિત બન્યું હતું. જો કે હવે બ્રિજ પહોળા થઈ જતા આ સમસ્યાનો નિરાકરણ આવશે.
Reporter: admin