News Portal...

Breaking News :

મેયર વડોદરાવાસીઓને ધોળા દિવસે સપના બતાવે છે કે આખા શહેરની કાંસોની જોરદાર સફાઇ થશે

2025-04-02 10:29:56
મેયર વડોદરાવાસીઓને ધોળા દિવસે સપના બતાવે છે કે આખા શહેરની કાંસોની જોરદાર સફાઇ થશે


મેયર 1 વર્ષ સુધી ભુલી ગયા કે તેમના વોર્ડના લોકો પણ દુર્ગંધ મારતી કાંસથી પરેશાન.
સમગ્ર શહેરને પૂરમાંથી બચાવાની મોટી મોટી ડંફાસો મારી રહેલા મેયર પિંકી સોની પોતાના જ વોર્ડમાં લોકોને ગંદા પાણીની વરસાદી કાંસની મુશ્કેલીઓમાંથી બચાવી શક્યા નથી. એક વર્ષ પહેલાં વોર્ડ નંબર 4ની કૃષ્ણકુંજ સોસાયટીને અડીને પસાર થતી વરસાદી કાંસનો સ્લેબ તૂટી ગયો હતો પણ હવે બીજુ ચોમાસું નજીક છે ત્યાં સુધી આ સ્લેબ ભરવાનું કામ અને કાંસની સફાઇનું કામ થયું જ નથી. મેયર પોતાના જ વોર્ડની યોગ્ય સારસંભાળ ના લઇ શકતા હોય તો આખા શહેરની જવાબદારી કેમ માથે લઇને ફરે છે તે સવાલ લોકો પુછી રહ્યા છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટના નામે લોકોને ધોળા દિવસે સપના બતાવી રહેલા મેયર પોતાના જ વોર્ડની સમસ્યાથી પોતાના જ મતદારોને ક્યારે છુટકારો અપાવશે તે એક મોટો સવાલ છે.  


શહેરના મેયર પિંકી સોનીના વોર્ડમાં જ વરસાદી કાંસ પર સ્લેબ તૂટી પડવાના કારણે ગટરના પાણીની દુર્ગધ ફેલાઇ રહી છે અને આ મામલે આ વિસ્તારની મહિલાઓએ ભારે રોષ પ્રગ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે..શહેરના વોર્ડ નંબર 4માં આવેલી કૃષ્ણકુંજ સોસાયટીમાં બહારથી અને સોસાયટીને અડીને જ વરસાદી કાંસ પસાર થાય છે. જો કે ચોમાસા પહેલાં જ આ વરસાદી કાંસમાં દુર્ગંધભર્યું ગટરનું પાણી વહી રહ્યું છે અને આ દુર્ગંધના કારણે સ્થાનિક લોકોની હાલત ખરાબ થઇ ગઇ છે. જે તે સમયે આ કાંસનો સ્લેબ તૂટી ગયો હતો અને હવે જ્યારે ચોમાસું નજીક છે છતાં નવો સ્લેબ ભરવામાં આવ્યો જ નથી. કાંસમાં વહી રહેલા ગટરના પાણીથી મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી સ્લેબ નહીં ભરાય ત્યાં સુધી ચોમાસામાં લોકોને પોતાના ઘરોમાં પાણી ભરાવાનો ભય જોવા મળી રહ્યો છે. શહેરમાં કરોડો રુપિયાના બ્રિજોના ટેન્ડરો જલ્દી પાસ થઇ જાય છે અને કામો પણ શરુ થઇ જાય છે પણ આ વરસાદી કાંસનો સ્લેબ ભરવામાં મેયર મુહુર્તની રાહ જોઇ રહ્યા છે તેવો આરોપ સ્થાનિકોએ લગાવ્યો હતો. 

આ સમસ્યાનું કાયમી સોલ્યુશન લાવીશું: મેયર 
જો કે મેયરે જણાવ્યું હતું કે હાલ વિશ્વામિત્રીનુ કામ ચાલે છે ત્યારે શહેરની કાંસોમા પણ સાફસફાઇની કામગિરી કરવાની છે. કૃષ્ણકુજ સોસાયટીનું  પણ એક કામ સામેલ  છે.  આ કાંસ વર્ષો જુની હોવાથી સ્લેબ તૂટી ગયો હતો. ખુબ જલ્દી આ કામ સ્થાયીમા આવશે અને ટેન્ડર દ્વારા તાત્કાલીક ધોરણે કાર્યવાહી કરાશે. આ સમસ્યાનું કાયમી સોલ્યુશન લાવીશું તેવો તેમણે દાવો કર્યો હતો.  વરસાદી કાંસમા ગટરનું પાણી આવે છે. તે બાબતે અધિકારીઓને જાણ કરી ચેકીંગ કરાવીશું.  અઠવાડીયા પહેલા પણ ચેરમેન શીતલ મિસ્ત્રીએ બેઠક કરી હતી. આજે  પણ અમે બેઠક કરી તેમાં  શહેરની તમામ કાંસોની ચર્ચા કરેલી છે. સ્થાનિકો કહે છે તે પ્રમાણે અધિકારીઓને વિઝીટ કરી તપાસ કરવા જણાવ્યું છે.  1985થી 90 વચ્ચે બનેલી 30 વર્ષ જુની આ કાંસ છે અને તેમાં ચણતર સહિતના કામ કરીશું તો વહન ક્ષમતામાં ઘટાડો થઇ શકે છે. કોર્પોરેશન દ્વારા હવે ડબલ ખર્ચ કરીને ટેન્ડર પ્રક્રીયા પૂર્ણ કરી ખાતમુહુર્ત કરી કામ શરુ કરાવશે અને સમગ્ર શહેરની કાંસોમાં આ રીતે સાફ કરાશે. ચણતર કરીને કરીએ તો ક્ષમતા ઘટે છે. તે દિશામાં કામ કરવાનું છે એટલે થોડો સમય લાગ્યો છે. 



બિલ્ડરોએ મકાનોમાં માર્જીન છોડ્યા નથી તેથી વિચારીને કામ કરાશે.: ચેરમેન 
આ મામલે સ્થાયી ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીએ કહ્યું કે વોર્ડનંબર 4માં ગયા વખતે ભારે વરસાદમાં 30 વર્ષ જુની વરસાદી ચેનલના સ્લેબની દિવાલ પ્રેશર વધવાથી તૂટી ગઇ હતી. આ કામની વિઝીટ મે જાતે કરી હતી. નાગરીકો માને છે તેટલું આ કામ સહેલું નથી કારણ કે અહીં આરસીસી ચણતર માટે જગ્યા નથી. તેથી સર્વે કરાયો છે . હવે આખી ચેનલ ફીટ કરીને કામ કરાશે જેમાં 6.55 કરોડનો ખર્ચો થશે. બિલ્ડરોએ મકાનોમાં માર્જીન છોડ્યા નથી તેથી વિચારીને કામ કરાશે. આ કામના ટેન્ડર પણ ખુલી ગયા છે અને વર્ક ઓર્ડર કરીને ચોમાસા પહેલા કામ શરુ કરી દેવાશે. 

ચોમાસું નજીક આવ્યું ત્યારે મેયર જાગ્યા...
મેયરે દાવો કર્યો છે કે આ સમસ્યાનું કાયમી નિરાકરાણ લવાશે અને ટેન્ડર પણ કાઢી દેવાયા છે. જો કે છેક ચોમાસુ નજીક આવ્યું અને સ્થાનિક લોકોએ  ઉગ્ર રજૂઆતો કરી ત્યારે મેયર જાગ્યા છે. ખરેખર તો આ કામ ગયા વર્ષે ચોમાસું પુર્ણ થયા વગર જ કરી દેવાનું હતું પણ હવે ચોમાસા પહેલા આ કામ શરુ કરવા નિકળ્યા છે. મેયર પોતાનો વોર્ડ સંભાળી શકતા નથી અને આખા શહેરની ચિંતા કરવાનો બોજો માથે લઇને ફરી રહ્યા છે. આ મેયર સદંતર નિષ્ફળ મેયર છે તે હવે પુરવાર થઇ ગયું છે.

Reporter: admin

Related Post