News Portal...

Breaking News :

મેયરે ફોન જ ના ઉપાડ્યો, વડોદરાના નેતાઓએ શહેરીજનોને પૂરની યાતના અને હરણી બોટકાંડની વેદના આપી છે, બાકી કંઈ જ નહીં

2025-05-06 13:03:22
મેયરે ફોન જ ના ઉપાડ્યો, વડોદરાના નેતાઓએ શહેરીજનોને પૂરની યાતના અને હરણી બોટકાંડની વેદના આપી છે, બાકી કંઈ જ નહીં


સ્થાનિક નેતાઓ-અધિકારીઓ-હોદ્દેદારો પણ નિષ્ઠુર-માનવતાવિહીન નીકળ્યા 
મેયર એક મહિલા છે અને છતાં તેમને હરણી બોટકાંડમાં પોતાના સંતાનોને ગુમાવનારી મહિલાઓ પ્રત્યે હમદર્દી બતાવી નથી......
હજી પણ સ્થાનિક નેતાઓ ભેગા થઈને તમામ પરિવારોને મદદ કરી શકે છે.ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલયમાં લઈ જઈ શકે છે. વળતર ઝડપથી અપાવી શકે છે. જામીન રદ કરાવી શકે છે.ટ્રાયલ જલ્દીથી પૂરી કરાવી શકે છે... 



હરણી બોટકાંડના પીડિતોએ એક તરફ પોતાના માસુમ બાળકો ગુમાવ્યા છે અને હવે તેમને ન્યાય  મળે તે માટે પણ તેમને સંઘર્ષ કરવો પડી રહ્યો છે. જવાબદારો છટકી ગયા છે અને તે માટે કોર્પોરેશન કે રાજ્ય સરકાર કોઇ જ કાર્યવાહી કરતી નથી. કોર્પોરેશનના અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે હરણી બોટકાંડ સર્જાયો છે અને છતાં જવાબદાર અધિકારીઓ,સનદી અધિકારીઓ,આરોપીઓ છૂટથી ફરી રહ્યા છે. દર પાંચ વર્ષે જનતાનો મત લેવા આવતા ભાજપના શાસકો જનતાને કેવી રીતે  ઉલ્લુ બનાવે છે તે વડોદરાની જનતા જોઇ રહી છે. મુખ્યમંત્રી જાહેરમાં હરણી બોટ કાંડમાં પોતાના માસુમને ખોઇ દેનારી એક જનેતાને તમે એજન્ડા લઇને આવ્યા છો તેમ વારંવાર કહેતા સંભળાયા હતા અને ત્યાર પછી તેમને રુબરુ તો મળ્યા પણ તમારા માટે વકીલની વ્યવસ્થા કરાવી દઇશ તેવી વાતો કરી હતી. પણ હરણી બોટ કાંડના પીડિતોને તો ન્યાય જોઇએ છે, તે વાત કોઇ કરતું જ નથી. શહેરના સાંસદ અને ધારાસભ્યોએ તો જાણે કે પોતાના હાથ અદ્ધર કરી દીધા છે. એક માત્ર કોર્પોરેટર આશિષ જોશી આ પીડિતોને ન્યાય મળે તે માટે ઝઝુમી રહ્યા છે. તેમને પોલીસ હવે ફસાવવાની કોશિશ કરી રહી છે. પોલીસની નિષ્ફળતા સમગ્ર બનાવમાં છતી થઇ ગઇ છે અને તેથી તે કોઇ વ્યક્તિને આ બનાવનો કાવતરાખોર ગણાવીને ફીટ કરી દેશે અને મામલો થાળે પાડવાની કોશિશ કરાશે. પોલીસે તે દિશામાં પોતાનું કામ શરુ કરી જ દીધું છે. વડોદરાના નેતાઓએ શહેરીજનોને પૂરની યાતનાઓ આપી છે અને હરણી બોટકાંડ જેવી વેદના પણ આપી છે. માત્રને માત્ર તંત્રના ભ્રષ્ટાચારનાં કારણે આ બનાવ બન્યો છે દરેક નેતા આ સત્ય જાણે છે છતાં તેમનામાં માનવતા મરી પરવારી છે. આજે ગુજરાતની અસ્મિતાએ પૂર્વ સાંસદ રંજન ભટ્ટને પુછ્યું તો તેમણે હાલના સાંસદ અને ધારાસભ્યોને પુછો તેમ કહીને હાથ અદ્ધ કરી દીધા હતા. પૂર્વ પ્રમુખ ડો.વિજય શાહે પોતે હરણી બોટકાંડના પીડિતોને કઇ રીતે મદદ કરી હતી તે જણાવ્યું હતું.  હાલના શહેર પ્રમુખ ડો.જયપ્રકાશ સોની કદાચ પોતાના સન્માન સમારોહમાંથી ફ્રી થશે તો જ ફોન રિસીવ કરશે અને જવાબ આપશે કારણકે તેમને પોતાના સન્માનમાં જ રસ છે. 

આ મુદ્દે સાંસદ, મેયર ધારાસભ્યોને પુછો તો સારુ રહેશે.
રંજન ભટ્ટ, પૂર્વ સાંસદ
મેં પીડિતોને હર્ષભાઇ સાથે મુલાકાત કરાવી હતી...



હું જ્યારે પ્રમુખ હતો ત્યારે સર્કીટ હાઉસમાં હર્ષભાઇ આવ્યા હતા અને ત્યારે હરણી પીડિતોની મુલાકાત ગોઠવી આપી હતી અને તે સમયે તેમણે રજૂઆત પણ કરી હતી. ત્યારબાદ તેમનો જે ચુકાદો આવ્યો ત્યારે પણ મેં તેમને કહ્યું કે ચૂકાદો આવી ગયો છે તો તમારે હર્ષભાઇનો આભાર માનવો જોઇએ. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જે રીતે તેમણે રજૂઆતો કરી તે મારી દ્રષ્ટીએ યોગ્ય નથી. તમને જે અધિકાર આપ્યા છે તેનો વિવેકબુદ્ધી પ્રમાણે ઉપયોગ કરવો જોઇએ. તમારી રજૂઆતો માટે તે યોગ્ય મંચ ન હતો. 

ડો.વિજય શાહ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ

તેમને યથા યોગ્ય ન્યાય મળવાનો જ છે.

એ લોકોએ સીએમ સાહેબ સમક્ષ રજૂઆત કરી છે. હવે આ કોર્ટનો વિષય છે . કોર્ટે ચૂકાદો આપ્યો છે પણ તે દિવસે જે રીતે રજૂઆત થઇ તે યોગ્ય નથી. કોઇ પણ રજૂઆત હોય તો સીએમને રુબરુ મળી કરી શકાય  છે. તેઓ સોમ અને મંગળ બધાને ઓફિસમાં મળે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તમે આવજો હું મળીશ.સીએમ સાહેબ ત્યારબાદ તેમને મળ્યા પણ હતા અને અધિકારીઓને સૂચના પણ આપી છે. કોર્ટે પણ વળતર ચુકવવાનો આદેશ કર્યો છે. તેમને યથાયોગ્ય ન્યાય મળવાનો જ છે

કેયુર રોકડીયા, ધારાસભ્ય

ભ્રષ્ટાચારીઓ સામે કોર્ટ રાહે કાર્યવાહી કરાશે...

હરણી બોટકાંડના આટઆટલા પુરાવા રજુ કરવા છતા હાઇકોર્ટના નિર્દેશ પછી પણ જો સરકાર ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવા માગતી ના હોય તો આગામી સમયમાં હવે કોર્ટ રાહે કાર્યવાહી કરાશે.

હિતેશ ગુપ્તા, પીડિતોના વકીલ

સબજ્યુડીશ મેટર છે અને વળતર માટે હાઇકોર્ટે ઓર્ડર કરેલો છે. 

ડો.શીતલ મિસ્ત્રી

મેયરે ફોન જ ના ઉપાડ્યો...

શહેરના મેયર એક મહિલા છે અને છતાં તેમને હરણી બોટકાંડમાં પોતાના સંતાનોને ગુમાવનારી મહિલાઓ પ્રત્યે હમદર્દી નથી. પીડિતોને ન્યાય મળવો જરુરી છે અને આ માટે મેયર તરીકે તેમની પણ જવાબદારી બને છે. આ સમગ્ર બનાવ કોર્પોરેશનના ભ્રષ્ટાચારના કારણે થયો છે. જો કે મેયર પિંકી સોનીને આ મામલે ફોન કરાયો ત્યારે હંમેશ મુજબ તેમણે ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી

ધારાસભ્ય મનિષા વકિલ પણ પીડિત મહિલાઓને ઓળખતા નથી...
આ વિસ્તારના ધારાસભ્ય પણ પીડિતોને ઓળખતા નથી. ખરેખર તો ધારાસભ્ય મનિષા વકીલે બોલાવવા જોઇતા હતા. દરેક ધારાસભ્ય વિધાનસભા સત્રમાં વોર્ડવાઇઝ કાર્યકરોને લઇ જાય છે. જો કોઇ ધારાસભ્ય આ પીડિતોને લઇ ગયા હોત તો આ બનાવ જ ના બન્યો હોત. આ બંને મહિલાઓને કોઇએ ફોન જ કર્યો નથી. કિશનવાડી અને રાજારાણી તળાવ પાસે જ આ બંને મહિલા રહે છે અને મનિષા વકીલનો જ મતવિસ્તાર છે. પણ છતાં કાર્યક્રમાં તેઓ ઓળખી શક્યા ન હતા.  જો તેમને તેઓ મળવા ગયા હોત તો તેઓ ઓળખી શક્યા હોત. બે ટર્મથી ધારાસભ્ય હોવા છતાં તેમને પડી નથી. 
અધિકારીઓ કેમ મળવા દેતા નથી તે મોટો સવાલ છે...
1 ફેબ્રુઆરીએ આ પીડિતો સર્કીટ હાઉસમાં મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગયા ત્યારે લીના પાટીલે તેમને ત્યાંથી કાઢી મુકયા હતા. ત્યારબાદ બિહાર દિવસના કાર્યક્રમમાં મુખ્યમંત્રી આવ્યા હતા અને તે સમયે પોલીસને હરણી બોટકાંડના તમામને હોમ એરેસ્ટ કર્યા હતા. જો ડો.લીના પાટીલે 1લી તારીખે તેમને મળાવી દીધા હોત તો નિવેડો આવી ગયો હોત. અને તેમને આ પગલું ના ભરવું પડ્યું હતું. અધિકારીઓ કેમ મળવા દેતા નથી તે મોટો સવાલ છે. 
આશિષ જોશી, કોર્પોરેટર
નેતાઓની માનવતા મરી પરવારી...
કોમલ કુકરેજા, ધારાસભ્ય કેયુર રોકડીયા તથા સભા સેક્રેટરી ચિંતન દેસાઈ કાર્યક્રમ સ્થળેથી આ મહિલાઓને,પોલીસની હાજરીમાં જ  ઘસડીને લઇ ગયા હતા. માત્રને માત્ર  મુખ્યમંત્રીને ખુશ કરવા માટે મહિલાઓને કાર્યક્રમમાંથી બહાર કઢાઇ હતી. ખરેખર તો મહિલાઓને શાંતિથી સાંભળવાની જરુર હતી પરંતુ તે વખતે આ તમામની માનવતા મરી મરવારી હતી.

Reporter: admin

Related Post