વડોદરાઃ ઓપરેશન સિંદૂર અંગે ભારત વતી દેશને જાણકારી આપનાર ભારતીય સેનાના કર્નલ અને વડોદરાના રહેવાસી સોફિયા કુરેશી તરફ આખા દેશનું ધ્યાન ખેંચાયું હતું
ત્યારે તાંદલજા વિસ્તારમાં રહેતા તેમના પરિવારના ચહેરા પર પણ ભારતે પાકિસ્તાન પર કરેલી સ્ટ્રાઈકની ખુશી ઝલકતી હતી.સોફિયાના પિતા તાજ મહોમ્મદ કુરેશીએ કહ્યું હતું કે, મારી પુત્રી જે પણ કરી રહી છે તે રાષ્ટ્ર માટે કરી રહી છે.આપણે હિન્દુ અને મુસ્લિમ કરતા ભારતીય પહેલા છે તે યાદ રાખવું જોઈએ.સોફિયાને જ્યારે ભારતીય સેનામાં જોડાવું હતું ત્યારે તેણે મને પૂછ્યું હતું કે, પહેલા દાદા અને પછી તમે સેનામાં ફરજ બજાવી ચૂકયા છો તો હવે ઘરમાંથી હું સેનામાં ભરતી થઉં?મેં તરત જ તેને હા કહી દીધી હતી.અમારી ત્રીજી પેઢી સેનામાં છે તેનો ગર્વ છે.આજે ભારતે પાકિસ્તાન પર જે રીતે હુમલો કર્યો છે તે જોઈને થાય છે કે, મારા પરિવારનો જે હેતું હતો તે પૂરો થયો છે.પાકિસ્તાન અંગે તાજ મહોમ્મદ કુરેશીએ કહ્યું હતું કે, આ કાયર દેશ અંગે કશું પણ કહેવું બેકાર છે.
હવે ભારતે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર આંચકી લેવાનો સમય આવી ગયો છે.ત્યાંના લોકો પણ આપણા છે અને તેમને મુક્ત કરાવવાની આપણી ફરજ છે.મને આશા છે કે, પીએમ મોદીના કાર્યકાળમાં જ સેના આ મિશન પણ પુરુ કરશે.સોફિયાના માતા અલીમા કુરેશીએ કહ્યું હતું કે, મારી પુત્રી નાનપણથી બહું જ ઈમાનદાર અને મહેનતું રહી છે.તેણે સેનામાં જોડાવાનો નિર્ણય લીધો ત્યારે મેં પણ તેને સંપૂર્ણ ટેકો આપ્યો હતો.તેને અમે સેનામાં મોકલી તે કેટલાક લોકોને નહોતું ગમ્યું પરંતુ આજે તેમના જ અભિનંદન આપતા ફોન આવી રહ્યા છે.સેનામાં જો કોઈ જોડાવા તૈયાર નહીં થાય તો દેશની રક્ષા કોણ કરશે? સોફિયાના ભાઈએ કહ્યું હતું કે, મીડિયા બ્રિફિંગ બાદ સોફિયા સાથે બે મિનિટ માટે મારી વાત થઈ હતી અને તે વખતે તેણે ભારતના હુમલાને બીરદાવીને મને કહ્યું હતું કે, કેસા લગા? જ્યારે સોફિયાના માતાએ કહ્યું હતું કે, સોફિયાએ મને ફોન પર કહ્યું હતું કે, ટીવી ચાલુ કર્યું કે નહીં..અમને તે ટીવી પર જાણકારી આપવાની છે તેની બિલકુલ જાણકારી નહોતી.
Reporter: admin







