વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી અને કોમ્પ્યુટર જગતમાં ક્રાંતિ લાવનાર યુએસબી (યુનિવર્સલ સિરિયલ બસ-એટલે કે પેન ડ્રાઈવ)ના શોધક તેમજ તાજેતરમાં પદ્મશ્રી એવોર્ડ મેળવનાર અજય ભટ્ટનું મ.સ. યુનિવર્સિટીમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું.
અજય ભટ્ટે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હું જ્યારે વિદ્યાર્થી તરીકે અમેરિકામાં અભ્યાસ કરવા ગયો ત્યારે આવકારદાયક માહોલ હતો, અગણિત તકો ઉપલબ્ધ હતી. આજે વિદ્યાર્થીઓને વિઝા મેળવવામાં, નોકરીના ઈન્ટરવ્યૂ માટે પણ તકલીફ પડે છે. હાલમાં અમેરિકામાં જે સ્થિતિ છે તેમાં કદાચ મારા પિતા મને અમેરિકા મોકલવા માટે સંમત નહીં થાય. હું પોતે આશ્ચર્યચકિત છું કે, અમેરિકામાં આવું કેમ થયું છે? અમેરિકામાં ભારત સહિતના દેશોમાંથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ આવે છે અને આઈટી, એઆઈ, જીનેટિક્સ એમ કોઈ પણ ક્ષેત્રમાં અભ્યાસમાં, રિસર્ચમાં બહુ મોટું યોગદાન આપે છે. વિદેશી વિદ્યાર્થીઓ પર આકરા નિયંત્રણોના કારણે સંશોધન, ઉદ્યોગો પર શું અસર પડશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
આ સ્થિતિ ક્યાં સુધી રહેશે તે તો માત્ર પ્રેસિડેન્ટ ટ્રમ્પ જ કહી શકે તેમ છે.તેમણે કહ્યું હતું કે, મારા વ્યક્તિગત અનુભવ પ્રમાણે અમેરિકન સમાજમાં ભારતીય સમુદાયને મહેનતુ અને મૂલ્યોનું જતન કરનાર સમુદાય તરીકે આદરની નજરે જોવામાં આવે છે. ભારતીયો સૌથી ધનાઢ્ય લઘુમતી સમુદાય છે અને અમેરિકાના વિકાસમાં તેમનું ઘણું યોગદાન છે. અમેરિકન સમાજમાં એકંદરે ભારતીયો માટે નફરત હોય કે ભારતીયોના કારણે તેમને અસલામતીની લાગણી અનુભવાતી હોય તેવું મને લાગતું નથી.પોતાની શોધ યુએસબી અંગે તેમણે કહ્યું હતું હતું કે, ટેકનોલોજીમાં આવી રહેલા બદલાવો વચ્ચે પણ ૩૦ વર્ષથી યુએસબીની જરૂરિયાત યથાવત છે તે જોઈને સુખદ આશ્ચર્ય થાય છે. હવે વાયરલેસ ચાર્જિંગનો યુગ આવી રહ્યો છે પરંતુ બીજા દસ-પંદર વર્ષ સુધી તો યુએસબીની જરુર પડવાની જ છે તેવું મને લાગે છે. યુએસબીની શોધ માટે મેં એક પણ પૈસો લીધો નહોતો અને તેનો મને આજે પણ અફસોસ નથી. કારણકે હું એક પ્રોફેસરનો પુત્ર છું અને મારો હેતું બદલાવ લાવવાનો હતો. મારી પાસે 200 થી વધારે પેટન્ટ છે. ક્યારેક કોઈને જરૂર હોય તો માર્ગદર્શન આપું છું. બાકી નિવૃત્ત જીવન ગાળી રહ્યો છું.
Reporter: admin